લો બોલો! લસણ-ડુંગળીના લીધે પતિ-પત્ની થયા અલગ,ઘરનું વાતાવરણ બગડતા કોર્ટમાં જંગ,વાંચો અમદાવાદના છૂટાછેડાનો કિસ્સો
પતિ- પત્ની વચ્ચે ઘણા કારણોસર માથાકૂટ ચાલતી હોય છે અને કેટલીક માથાકૂટ છૂટાછેડા સુધી પહોંચી જતી હોય છે. અહી અમદાવાદનો એક એવો કિસ્સો રજૂ કર્યો છે જેમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદનું કારણ ડુંગળી-લસણ હતા. પત્ની સ્વામિનારાયણ ધર્મ પાળતી હતી અને ડુંગળી-લસણ ખાતી ન હતી જયારે પતિ અને તેનો પરિવાર ડુંગળી-લસણ ખાતો હતો. પત્ની બધાને ડુંગળી-લસણ ન ખાવા કહેતી હતી પણ પરિવાર માનતો ન હતો…અંતે બંને વચ્ચે વિવાદ વધી ગયો અને વાત છૂટાછેડા સુધી પહોંચી હતી.
આ પતિ-પત્નીએ લગભગ 12 વર્ષ સુધી કાનૂની લડાઈ લડી હતી. બંને વચ્ચેનો વિખવાદ કાઉન્સેલિંગથી લઈને ફેમિલી કોર્ટ અને પછી હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ સમય દરમિયાન સમાધાન માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ બંને પોતાના નિર્ણય પર અડગ હતા. અંતે ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા હતા અને લગ્નનો અંત આવ્યો હતો. પતિએ ભરણપોષણની જે કોઈ રકમ બાકી રહે છે તે જલ્દીથી ચુકવવાની ખાતરી આપી હતી.
આ બંનેના લગ્ન 2002માં થયા હતા અને શરૂઆતમાં બંને વચ્ચેના સંબંધો સામાન્ય રહ્યા હતા પરંતુ બાદમાં પત્નીની કેટલીક ધાર્મિક માન્યતાઓને લીધે બોલાચાલી અને માથાકૂટ શરુ થઇ ગઈ હતી.
પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી હતી અને સંપ્રદાયના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને, ડુંગળી અને લસણ ખાવાથી દૂર રહેતી હતી. તેનાથી વિપરીત, પતિ અને તેનો પરિવાર ડુંગળી અને લસણ ખાતા હતા. પત્ની પોતાના વર અને પરિવાજનોને પણ ડુંગળી-લસણ ન ખાવા માટે કહેતી હતી પણ તેની વાત માનવામાં આવી ન હતી અને તેઓએ ખાવાનું ચાલુ જ રાખ્યું. આ મતભેદને ધીમે ધીમે ઘરનું વાતાવરણ બગાડવા લાગ્યુ હતું.
આ પણ વાંચો :પુરૂષોની અછત! કલાકોના હિસાબે પતિ ભાડે લેવા મહિલાઓ મજબૂર,આ યુરોપિયન દેશમાં લૈંગિક અસંતુલન ગંભીર બન્યુ
પ્રાપ્ત માહિતી અનુસાર, પત્નીએ તેના પતિ અને સાસરિયાઓને ઘરમાં ડુંગળી અને લસણ ન લાવવા કહ્યું હતું પણ તેનો પતિ આ વાતે અસંમત હતો. ત્યાર બાદ આ મુદ્દો ઉગ્ર દલીલમાં પરિણમ્યો. પરિસ્થિતિ એવી બની ગઈ કે એક જ ઘરમાં અલગ રસોઈ બનવા લાગી. બંને વચ્ચે અંતર વધતું ગયું અને ઘરનું વાતાવરણ બગડતુ ગયુ હતું.
અ મામલો વધુ વણસ્યો જયારે પત્ની બાળકને લઈને તેના માતાપિતાના ઘરે રહેવા જતી રહી. ત્યાર બાદ 2013 માં, પતિએ અમદાવાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી. તેણે આરોપ લગાવ્યો કે તેની પત્ની તેની સાથે ક્રૂર વર્તન કરતી હતી અને કોઈ વાજબી કારણ વગર ઘર છોડીને ચાલી ગઈ હતી. લગભગ 12 વર્ષ ચાલેલી ટ્રાયલ પછી, ફેમિલી કોર્ટે 8 મે, 2024 ના રોજ પતિની છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી. કોર્ટે પતિને તેની પત્ની અને બાળકના ભરણપોષણ માટે પૈસા ચૂકવવાનો પણ આદેશ આપ્યો.
જોકે, વાત અહીથી ખતમ નથી થતી. ભરણપોષણના આદેશથી અસંતુષ્ટ પતિએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી હતી હતી. બીજી બાજુ, પત્નીએ ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના આદેશને પડકારતી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઈકોર્ટની સુનાવણી દરમિયાન પત્નીએ અદાલતમાં કહ્યું કે તેને હવે છૂટાછેડા સામે કોઈ વાંધો નથી અને તે લગ્નનો અંત લાવવા તૈયાર છે.
જસ્ટિસ સંગીતા વિશેન અને નિશા ઠાકોરની બેન્ચે ત્યારબાદ ચુકાદો આપ્યો કે બંને પક્ષો છૂટાછેડા માટે સંમત થયા હોવાથી, છૂટાછેડાના મુદ્દા પર વધુ વિચાર કરવાની જરૂર નથી. કોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું, જેનાથી આ લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત આવ્યો.
