અમેરિકાએ ભારતની કેટલી વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરી ? વાંચો
ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી બાદ અમેરિકામાં ઘણા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. ટેરિફ મુદ્દે ચાલી રહેલો હોબાળો હજુ સમાપ્ત થયો નથી ત્યાં ભારતમાં યુએસ એમ્બેસીએ 2000થી વધુ વિઝા ઍપોઇન્ટમેન્ટ રદ કરી છે. તેની પાછળ છેતરપિંડીની પ્રવૃત્તિઓ હોવાનું કહેવાય છે. આ ઍપોઇન્ટમેન્ટ્સ ઓટોમેટિક ‘બોટ’ના માધ્યમથી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ વિઝા અરજીમાં કેટલીક અનિયમિતતાની ફરિયાદો મળતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતમાં યુએસ એમ્બેસીએ બુધવારે જણાવ્યું હતું કે, ‘ભારતીય કોન્સ્યુલર ટીમ બોટ્સ દ્વારા કરવામાં આવેલી આશરે 2,000 વિઝા ઍપોઇન્ટમેન્ટ્સ રદ કરી રહી છે. અમારી શેડ્યુલિંગ નીતિઓનું ઉલ્લંઘન કરનારા એજન્ટો અને ફિક્સર માટે અમે ઝીરો ટોલેરન્સ ધરાવીએ છીએ. તાત્કાલિક અસરથી, અમે આ નિમણૂકોને રદ કરી રહ્યા છીએ અને પ્રશ્નમાં રહેલા એકાઉન્ટ્સના શેડ્યુલિંગ વિશેષાધિકારોને સ્થગિત કરી રહ્યા છીએ.
યુએસ એમ્બેસીએ વિઝા ફ્રોડની જાણ કર્યા બાદ 27 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે અનેક વિઝા અને પાસપોર્ટ એજન્ટ સામે કેસ નોંધ્યો હતો. દૂતાવાસના જણાવ્યા અનુસાર, આ એજન્ટોએ અરજદારોના વિઝા મેળવવા માટે નકલી ડૉક્યુમેન્ટ સબમિટ કરીને યુએસ સરકાર સાથે છેતરપિંડી કરી હતી.
રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે મે અને ઑગસ્ટ વચ્ચે, એમ્બેસીએ આંતરિક તપાસ હાથ ધરી હતી અને બહુવિધ આઇપી એડ્રેસ સાથે જોડાયેલા 30 એજન્ટોની યાદી તૈયાર કરી હતી. આમ હવે અમેરિકા વધુ સખ્તાઈ સાથે આ કામ કરી રહ્યું છે.