કેટલા જવાબદાર જેલભેગા થયા, કેટલા કોર્પોરેટર-અધિકારી સામે પગલાં લેવાયા? કોંગ્રેસે જનરલ બોર્ડ પાસે મનપાના 10 વર્ષના કૌભાંડનો માંગ્યો હિસાબ
આવતાં શનિવારે મહાપાલિકાનું જનરલ બોર્ડ મળવાનું છે જેમાં શાસક-વિપક્ષના કોર્પોરેટરો દ્વારા અધિકારીઓ પાસેથી કામગીરીનો હિસાબ પ્રશ્નો થકી માંગવામાં આવશે. જો કે અત્યાર સુધી કદાચ ક્યારેય ન પૂછાયો હોય તેવો પ્રશ્ન કોંગ્રેસ પૂછયો છે અને આ પ્રશ્નને પ્રશ્નોત્તરીમાં પણ સ્થાન મળ્યું હોય આખરે આ સવાલનો શું જવાબ આવે છે તે જોવું રસપ્રદ બની રહેશે. કોંગ્રેસ દ્વારા જનરલ બોર્ડ પાસે મહાપાલિકાના 10 વર્ષના કૌભાંડનો હિસાબ માંગવામાં આવ્યો છે !
વોર્ડ નં.15ના કોંગ્રેસ ના મહિલા નગરસેવિકા કોમલબેન ભારાઈએ પ્રશ્ન પૂછયો છે કે દ વર્ષ દરમિયાન મહાપાલિકામાં કેટલા કૌભાંડ થયા, કેટલા જવાબદારને જેલ થઈ, કેટલા કોર્પોરેટર-અધિકારી સામે પગલાં લેવાયા તે સહિતની વિગત જનરલ બોર્ડમાં જાહેર કરવામાં આવે. જો કે આ પ્રશ્ન છેક નવમા ક્રમે હોવાથી તેની ચર્ચા થવી અસંભવ છે આમ છતાં લેખિત જવાબ શું આપવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે.
આ ઉપરાંત ભાજપના કોર્પોરેટર અને સેનિટેશન સમિતિના ચેરમેન નિલેશ જળુ દ્વારા રસ્તાઓ ઉપર સમરકામ, ડામર, કાર્પેટ, ડામર રિ-કાર્પેટ તેમજ રોડ ડેવલપમેન્ટ અંગે શું કામગીરી કરવામાં આવી છે તેવો પ્રશ્ન પૂછયો છે પરંતુ આ પ્રશ્ન પણ પાંચમા ક્રમે હોવાથી તેનો જવાબ પણ જનરલ બોર્ડની એક કલાક દરમિયાન મળશે નહીં.
પ્રશ્નોત્તરીમાં છેલ્લા ક્રમે ડૉ.નેહલ શુક્લનો પ્રશ્ન આવ્યો છે જેમાં તેમણે 2015-16થી લઈ 2025-26 સુધીમાં લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટના કાયદા હેઠળ કેટલી જગ્યા પર ક્યા ક્ય વ્યક્તિ, સંસ્થા, કંપની સહિતની જમીન કપાત કરવામાં આવી અને તેના વળતર સ્વરૂપે તેમને અન્ય જગ્યાએ જમીનની ફાળવણી કરવામાં આવી છે તેની વિગત માંગી છે. જો કે આ પ્રશ્ન પણ ચર્ચામાં નહીં. આ વખતે પણ બોર્ડમાં પ્રથમ ક્રમે બે વર્ષ દરમિયાન મહાપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેટલી ગ્રાન્ટ મળી છે તેવા કંટાળાજનક પ્રશ્નની ચર્ચા કરવામાં જ કિંમતી એક કલાક વેડફી નાખવામાં આવશે.
વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમને 31 સપ્ટે.સુધી લંબાવવા સહિત 16 દરખાસ્ત
જનરલ બોર્ડના એજન્ડામાં મિલકતવેરા તેમજ પાણી ચાર્જ પેટેની લેણી નીકળતી રકમ સરળતાથી મળી રહે તે માટે અમલી બનાવાયેલી વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમને 31 સપ્ટેમ્બર સુધી લંબાવવા સહિતની 16 દરખાસ્તો સામેલ છે જેના ઉપર નિર્ણય લેવામાં આવશે.
