રાજકોટમાં પાર્કિંગના ચાર્જમાં કલાકની ગણતરીનો ખેલ : દરરોજ લોકોને થયો કડવો અનુભવ,કોન્ટ્રાકટરને મહાપાલિકાની નોટિસ
રાજકોટમાં ટ્રાફિક સમસ્યા હળવી થાય અને મહાપાલિકાને પૈસાની આવક થઈ શકે તે માટે શહેરમાં અલગ-અલગ 60થી વધુ સ્થળે પે એન્ડ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ માટે મહાપાલિકા દ્વારા પાર્કિંગનો કલાકદીઠ ચાર્જ પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે આમ છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા ગણતરીનો “ખેલ’ કરવામાં આવ્યો હોવાનું સામે આવતાં જ તાત્કાલિન નોટિસ ફટકારવામાં આવી હતી.

આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ગેફોર્ડ સિનેમા નજીક તનિષ્ક ટાવરથી માલવિયા ચોક સુધીની પે એન્ડ પાર્કિંગ સાઈટનો કોન્ટ્રાક્ટ 14-03-2024થી ગાંધીગ્રામમાં શાસ્ત્રીનગર શેરી નં.7માં રહેતા વિરમ દાનાભાઈ ગમારાને આપવામાં આવ્યો હતો. દરમિયાન બુધવારે અહીં પાર્ક કરવામાં આવેલી કારના માલિક સાથે તંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલા પાર્કિંગ ચાર્જ કરતા વધુ ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાનું ધ્યાન પર આવતાં તંત્રએ તાત્કાલિક વિરમને પેનલ્ટી તેમજ નોટિસ ફટકારી હતી.
આ પાર્કિંગ સાઈટ પર કાર પાર્ક કરાયા બાદ તેના ચાલક પાસેથી 30 રૂપિયાના ચાર્જની માંગણી કરવામાં આવી હતી. ચાલક દ્વારા 30 રૂપિયા ભરપાઈ કરવામાં કોઈ જ વાંધો ન હોવાનું જણાવી ચાર્જની રિસિપ્ટ મતલબ કે રસિદ આપવાનું કહેવામાં આવતા ત્યાં હાજર વ્યક્તિ દ્વારા પહેલાં તો મશીન બગડી ગયું છે તેવો જવાબ આપ્યો હતો. જો કે ચાલક દ્વારા રસિદનો આગ્રહ રખાતાં થોડી જ વારમાં મશીન પણ આવી ગયું હતું અને તેમાં 30 રૂપિયાનો ચાર્જ વસૂલાયો હોવાનું રસિદ પણ કાઢી આપી હતી.

સાચી રમત અહીંથી શરૂ થઈ હતી. કોન્ટ્રાક્ટરના માણસ દ્વારા જે રસિદ આપવામાં આવી તેમાં કાર પાર્ક કરાઈ તેનો જ સમય લખવામાં આવ્યો હતો પરંતુ કાર પાર્કિંગમાંથી ક્યારે નીકળી તેનો સમય લખવામાં આવ્યો ન્હોતો. આમ કરવાથી તેને રીતસરનો ફાયદો થાય તેમ હોવાથી તેણે સમય નાખવાનું ટાળ્યું હતું કેમ કે પાર્કિંગ સાઈટ પર 0 થી 3 કલાક સુધી કાર પાર્ક થાય તો રૂ. 20 જ વસૂલવા તેવો નિયમ છે અને ઉપરોક્ત સ્થળ પર કાર પણ અર્ધો કલાકમાં રવાના થઈ ગઈ હતી આમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ત્રણ કલાક કરતા વધુ સમય સુધી કાર અહીં પાર્ક થયાનું ગણી રૂા.20 ની જગ્યાએ રૂા.30ની વસૂલાત કરવામાં આવી હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટમાં ખેતીની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરનાર વધુ 20 આસામીઓ સામે શરતભંગ : બોક્સ ક્રિકેટ પણ તંત્રના રડારમાં
અત્રે ઉલ્લેખનીય છે કે મહાપાલિકાની પે એન્ડ પાર્ક સાઈટ પર
- ટુ-વ્હીલર માટે ૦ થી 3 કલાક સુધી રૂા.5
- ત્રણથી છ કલાક સુધીના રૂા.10
- 6 થી 9 કલાક સુધી વાહન પાર્કક રવાના રૂા.15
- 9થી 12 કલાકના રૂા.20
- 12 થી 24 કલાક સુધી વાહન રાખવાના 25 રૂપિયા
- જ્યારે કારનો ચાર્જ રૂા.20,30,50,60 અને 80 છે.
જો કે પોતાને વધુ આવક થાય તે માટે કોન્ટ્રાક્ટર દ્વારા જાણીજોઈને વાહન ક્યારે નીકળું તેનો સમય જાહેર કરવામાં આવતો ન હોય આ એક જ નહીં બલકે અન્ય સાઈટ ઉપર પણ લોકો છેતરાઈ રહ્યા હોવાનું બની શકે તેમ હોય મહાપાલિકાએ આ દિશામાં ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી બની જાય છે.
આ પણ વાંચો : ઋષભ પંત ટેસ્ટ સિરીઝમાંથી બહાર : પગની આંગળીમાં ફ્રેક્ચર થતા 6 સપ્તાહ નહીં રમી શકે,આ ખેલાડીને મળી શકે છે તક
શા માટે પાર્કિંગ ચાર્જનું લિસ્ટ કોન્ટ્રાક્ટરો સાથે ન રાખી શકે? બોર્ડ વાંચવા જવું જરૂરી છે?
જાગૃત નાગરિકોનું એવું માનવું પણ છે કે રાજકોટની એક પણ પે એન્ડ પાર્ક સાઈટ ઉપર અત્યારે કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા પાર્કિંગ ચાર્જ કેટલો છે તેનું લિસ્ટ ક્યારે હાથવગું હોતું નથી. તકલીફ ત્યારે પડે છે જ્યારે કોઈ વાહન ચાલક પોતાનું વાહન જે સાઈટ પર કરે ત્યાંથી ઘણે દૂર પાર્કિંગ ચાર્જનું બોર્ડ હોય છે જે જોવા માટે જવું પડે તેમ હોય લોકો આ ઝંઝટમાં પડવાનું ટાળે છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા શા માટે તેના માણસને એક નાની સાઈઝનું પાર્કિંગ ચાર્જનું લિસ્ટ આપવામાં આવી રહ્યું નથી ? જો લિસ્ટ ઉપલબ્ધ હોય તો લોકોએ દૂર સુધી વાંચવા માટે જવું ન પડે.
