સૌરાષ્ટ્ર યુની.ના વિવાદિત કોન્વોકેશન હોલના 17 વર્ષ પૂર્ણ : ખંઢેરમા કોંગ્રેસનો પ્રતિકાત્મક વિરોધ
કોંગ્રેસે ખંઢેરનુ નામ “જોષીપૂરાનો ઉતારો”આપ્યુ : નાટકીય રીતે રીબીન કાપી ઉદઘાટન ,નવી તપાસ કમિટી રચી ૧.૬૧ કરોડ રૂપિયાની વસુલાતની રાજ્યપાલ સમક્ષ કોંગ્રેસની માંગ : પુરાવાઓ અમે આપીશુ
થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૭ વર્ષ પહેલા ખાતમૂહર્ત થયેલા એક બાંધકામ હજુ પૂર્ણ ના થયાના ઘટસ્ફોટ કરીને સંઘ અને ભાજપ સરકારની નિષ્ફળતાના આક્ષેપો કરી એમ એક તીરે બે નિશાન ટાંક્યા હતા.વાત છે સંઘ અને ભાજપ સાથે જોડાયેલ અને સૌ.યુની.ના પૂર્વ કુલપતિ ડૉ. કમલેશ જોષીપૂરાના કાર્યકાળ દરમિયાન એટલે કે વર્ષ ૨૦૦૭ મા ખાતમૂહર્ત થયેલ કોન્વોકેશન હોલનુ કામ ભ્રષ્ટાચારના વિવાદો બાદ સ્થગિત થતા હજુ આજની તારીખે ખંઢેરમા ફેરવાયેલ સ્થિતિમા એમ ને એમ હોવાથી કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ આ ખંઢેરના ૧૭ વર્ષ પૂર્ણ આજે થતા તેમનુ નામકરણ કરી નાટકીય રીતે ઉદ્ઘાટન કરવાની થોડા સમય પહેલા જાહેરાત કરી હતી.અને આ ખંઢેરના શ્રેષ્ઠ નામ સૂચવનારને રૂ.૫૦૦૦ નુ ઇનામની જાહેરાત કરી સૌ.યુની.ના સતાધિસો અને ભાજપ સરકારની કામગીરી પર સવાલો ઊભા કર્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૦૭ માં વિદ્યાર્થીઓ માટે કોન્વોકેશન હોલ બનાવવામાં આવશે તેવી જાહેરાત તત્કાલિન કુલપતિ જોશીપુરા દ્વારા પદવીદાન સમારંભ વખતે રાજ્યપાલ ની હાજરીમાં કરવામાં આવી હતી. આ હોલ કેમ્પસમા આવેલા કાયદા ભવન પાછળ બનાવવામાં આવશે તેવું જાહેર કરાયું હતું.આ હોલનું ખાત મુહર્ત તત્કાલીન સતાધિસો ડૉ.કમલેશ જોશીપુરા અને કલ્પક ત્રિવેદી દ્વારા સંઘ અગ્રણી મજદૂર સંઘના રાષ્ટ્રીય નેતા હસુભાઈ દવેના હસ્તે કરાવવામાં આવ્યું હતું.યુનિવર્સિટી દ્વારા ટેન્ડર વગર કોન્વોકેશન હોલનું કામ મળતિયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યાના આક્ષેપો થયા હતા અને આ હોલ બનાવવામાં ૧.૬૧ કરોડ જેટલી રકમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોન્ટ્રાક્ટરોને ચૂકવી આપવામાં આવી હતી.૧૭ જેટલા વર્ષો વિત્યા બાદ ત્રણ ત્રણ કાયમી કુલપતિ અને ત્રણ કાર્યકારી કુલપતિ બદલ્યા છતા પણ હજુ કોઇએ આ હોલ ની કાંકરી પણ હલાવી ના શક્યા હોવાથી આજની સ્થિતિએ ખંઢેરમા ફેરવાયેલ છે.કોંગ્રેસે દ્વારા જે તે સમયે આ મુદાને જાહેરમા ઉજાગર કર્યા બાદ મોટા વિવાદો બાદ રાજ્યસરકાર દ્વારા તપાસ કમિટી દ્વારા તપાસ કરાવવામા આવી હતી અને વિધાનસભાની જાહેર હિસાબ સમિતિની અધ્યક્ષ સહિતની ટીમે પણ સ્થળ મુલાકાત અને તપાસ કરી હતી.
વિદ્યાર્થીનેતા અને ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની આગેવાનીમા અનેક વિદ્યાર્થી કાર્યકરોએ સૌરાષ્ટ્ર યુની.કેમ્પસમા આવેલ આ કોન્વોકેશન હોલની જગ્યા પર વિદ્યાર્થી કાર્યકરો દ્વારા તકતીનુ અનાવરણ કરીને ખંઢેરનુ નામકરણ “જોશીપુરાનો ઉતારો” નામ આપ્યુ હતું અને નાટકીય રીતે રીબીન કાપી ઉદ્ઘાટન કરી વિરોધ દર્શાવ્યો હતો. પદવીદાન સમારોહમા વિદ્યાર્થીઓને પહેરવામા આવતા વેશ-પોષક ધારણ કરીને કાર્યકરોએ આ ખંઢેરમા પોતાની ડિગ્રી લેવા પહોચીને પ્લે કાર્ડ સાથે અંદર પ્રવેશીને આશ્ચર્યજનક વિરોધ દર્શાવ્યો હતો. સમગ્ર બાબતને વિજિલન્સ દ્વારા તપાસ કરાવે અને ભ્રષ્ટાચારમાં સામેલ જોશીપુરા એન્ડ કંપનીના સભ્યો સામે ફરિયાદ દાખલ કરે. કોંગ્રેસ તમામ બાબતના પુરાવાઓ આપવાની ખાતરી પણ આપે છે તેવુ કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે માંગ કરી હતી.