રાજકોટના પૂર્વ કલેકટર સહિત 4 IASને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ : ધોળકા અને આસપાસના ગામોમાં ફેલાયેલા પ્રદુષણ મામલે આકરી કાર્યવાહી
ધોળકા અને આસપાસના ગામોમાં જળસ્રોતોમાં ફેલાયેલા અતિશય પ્રદૂષણને નિયંત્રિત કરવામાં લાંબા સમયથી નિષ્ફળ રહેવા બદલ ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવી ચાર **IAS અધિકારીઓ અને ધોળકાના ચીફ ઓફિસર સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા માટે નોટિસ જારી કરી છે. જે ચાર આઈએએસ અધિકારીને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે તેમાં રાજકોટના પૂર્વ કલેકટર રેમ્યા મોહનનો પણ સમાવેશ થાયછે. જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની બેન્ચે આ નોટિસ જારી કરી હતી.
2018માં હાર્દિક શાહ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ધોળકા નગરપાલિકાનું ગટરનું પાણી તેમજ ઔદ્યોગિક એકમોનું રાસાયણિક પ્રદૂષિત પાણી એક ખુલ્લી નહેરમાં છોડવામાં આવે છે. આ નહેર ત્રાસદ, ભેતાવડા અને નેસડા ગામોમાંથી પસાર થાય છે. આ પ્રદૂષિત પાણી ખેતરો અને ઘરોમાં પ્રવેશીને પાક અને પીવાના પાણીને અસર કરી રહ્યું છે, જેના કારણે ગામલોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.
હાઇકોર્ટે નોંધ્યું હતું કે જીપીસીબીને આ અંગે વર્ષ 2016માં નોટિસ ફટકારવામાં આવી હતી અને 2021માં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે માળખાગત સુવિધા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો. તેમ છતાં, જળસ્રોતોના તાજેતરના નમૂનાઓમાં સ્પષ્ટ થયું છે કે ગટરના પાણીની યોગ્ય ટ્રીટમેન્ટ થતી નથી અને તે નદી તેમજ ગામના જળસ્રોતોને પ્રદૂષિત કરી રહ્યું છે.
કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અધિકારીઓ કોર્ટના આદેશોની અવગણના કરતા જણાય છે, તેથી તેમની પાસે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી.
હાઇકોર્ટે અધિકારીઓને આગામી સુનાવણીની તારીખ એટલે કે 3 ઓક્ટોબર સુધીમાં જળ પ્રદૂષણ રોકવા માટે એક નક્કર યોજના સાથે કોર્ટ સમક્ષ હાજર થવા નિર્દેશ આપ્યો છે.
ક્યા અધિકારીને નોટિસ ફટકારાઈ
- આર.બી. બારડ (GPCBના ચેરમેન)
- સુજીત કુમાર (અમદાવાદ કલેક્ટર)
- રમ્યા મોહન (મ્યુનિસિપાલિટી કમિશનર અને GUDCLના મેનેજિંગ ડિરેક્ટર) એમ. થેન્નારસન (GUDCLના ચેરમેન)
- પ્રાર્થના જાડેજા (ધોળકાના ચીફ ઓફિસર)
