- આરોપીએ સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું: તાપી જીલ્લાની ઘટના
અમદાવાદ
ગુજરાત હાઇકોર્ટમાં તાપીની 15 વર્ષ અને 09 માસની સગીરાના 27 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે સગીરાના પિતાએ એડવોકેટ પી.વી.પાટડિયા દ્વારા અરજી કરી હતી. જે જજ નિર્ઝર દેસાઈની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી અને કોર્ટે આ માટે મંજુરી આપી હતી. અરજદારના એડવોકેટે કોર્ટને જણાવ્યું હતું કે સગીરા માનસિક દિવ્યાંગ છે. એક આરોપીએ તેનું શારીરિક શોષણ કરતા તે ગર્ભવતી બની હતી. આરોપી સામે તાપીના ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સગીરાના કુટુંબની પણ ગર્ભપાત માટે મંજૂરી હતી. સગીરા માનસિક અને શારીરિક રીતે ગર્ભને વધુ સમય રાખવા સક્ષમ નહોતી. હાઇકોર્ટે સુરતની સ્મીમેર હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટને એક્સપોર્ટ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર્સ દ્વારા સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતાં. જેમાં રીપોર્ટ આવ્યો હતો કે સગીરાને 28 સપ્તાહનો ગર્ભ છે. સગીરાની ઉંમર નાની હોવાથી ગર્ભાવસ્થા આગળ વધારવી જોખમી છે. સામાન્ય રીતે MTP એક્ટ અંતર્ગત 24 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી મળતી હોય છે.
સગીરાના ગર્ભપાતમાં બ્લિડિંગ અને ઇન્ફેક્શનનું જોખમ રહેલું છે. વળી તેને માનસિક તકલીફો પણ છે. કોર્ટે સ્મીમેર હોસ્પિટલને ઓપરેશન દરમિયાન લોહીની જરૂર પડે તો અગાઉથી વ્યવસ્થા કરવા, પૂરતી સુરક્ષ અને પ્રોટોકોલ સાથે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી હતી. સાથે જ તેની ગર્ભની પેશીના DNA આરોપી સામે પુરાવા તરીકે FSL માં મોકલવા સાચવવા હુકમ કર્યો હતો. સગીરાને મેડિકલ ખર્ચમાં સરકારી યોજનાનો લાભ અપાવવા હોસ્પિટલને સૂચના આપી હતી.