ભારે કરી! રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટેન્ડર ન મળતા ધોબી રૂ.30 લાખના કપડાં લઈ ગયો
રાજકોટની સિવિલ હોસ્પિટલ તેમજ એઇમ્સમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચારવામાં આવી રહ્યો હોવાનું તેમજ ટેન્ડરમાં ગોલમાલ મુદ્દે આરોપો લગાવી કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી જેમાં સિવિલમાં તાજેતરમાં ધોબીકામનું ટેન્ડર ન મળતા જૂની એજન્સી રૂ.30 લાખના કપડાં ઓળવી ગઈ હોવાનું તેમજ એઇમ્સમાં ફર્નિચર ખરીદી, કેન્ટીન અને ગાર્ડનના કોન્ટ્રાકટ મુદ્દે લાલીયાવાડી ચાલતી હોય તપાસ કરવા માંગ કરવામાં આવી હતી.

કોંગ્રેસના હાથસે હાથ જોડો અભિયાનના કલ્પેશ કુંડલીયા, નગરસેવક વશરામ સાગઠીયા સહિતના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ એઇમ્સ હોસ્પિટલમાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે રજુઆત કરવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલમાં તાજેતરમા ધોબીકામ માટે કરવામાં આવેલ ટેન્ડરમાં સાહસ અને સાહસ ગ્રુપને ટેન્ડર ન મળતા સિવિલ હોસ્પિટલના 30 લાખ રૂપિયાના કપડાં ઓળવી ગયો હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. વધુમાં સિવિલમાં એઆરસી કોન્ટ્રાકટ અંગે પણ સવાલો ઉઠાવી ફાયર સેફટીના બિલમાં કરોડોનો ભ્રષ્ટાચાર થવા છતાં તપાસ ન થતી હોવાનું તેમજ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટના નામનું બોર્ડ ખાનગી હોસ્પિટલમાં પણ લાગ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ સિવિલ હોસ્પિટલની સાથે સાથે એઇમ્સ હોસ્પિટલમાં પણ ફર્નિચર ખરીદી, કેન્ટીન અને ગાર્ડનના કોન્ટ્રાકટ મુદ્દે ગેરરીતિના આક્ષેપ લગાવી એઈમ્સના પૂર્વ ડિરેક્ટરના પુત્રને કાયમી નોકરી તેમજ એડમીન વિભાગમાં આગ લાગવા અંગેના બનાવો અંગે સવાલો ઉઠાવી બન્ને હોસ્પિટલમાં વ્યાપક ભ્રષ્ટાચાર મામલે તપાસ કરવા માંગણી ઉઠાવી હતી.
આ પણ વાંચો : મહાજૂઠપાલિકા : રાજકોટમાં મણકા ખસી જાય તેવા રસ્તા છતાં સરકારને કહ્યું, અમે કામ પૂરુ કર્યું !
ધોબી કપડાં પરત ન કરતો હોવાનો સિવિલ સુપ્રિન્ટેન્ડનો સ્વીકાર
જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કોંગ્રેસના હાથ સે હાથ જોડો અભિયાનના આગેવાન દ્વારા કરવામાં આવેલ ફરિયાદ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, જુના ધોબી કોન્ટ્રાકટર કપડાં પરત ન કરતા હોવાની વાત સાચી છે પરંતુ કપડાં કેટલી કિંમતના છે તે તેમને ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું.સાથે જ ફાયર સેફટી કૌભાંડ મામલે તપાસના કામે તમામ ડોક્યુમેન્ટ આપી દેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.