ભારે કરી: રાજકોટમાં અન્ડરવીયર, બૂટ-ચપ્પલ ભરેલા 22 પાર્સલ ચોરાયા !!
સ્પીડવેલ ચોક નજીક પ્રદ્યુમન એસ્પાયર બિલ્ડિંગમાં સ્કુટરમાં મુકેલા ૧૪ પાર્સલ, મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી ચાર અને જીવરાજ પાર્ક પાસેથી ચાર પાર્સલની ચોરી
રાજકોટમાં તસ્કરો એટલી હદે બેફામ બની ગયા છે કે હાથમાં જે કંઈ પણ આવે તે લઈને સંતોષ માની રહ્યા છે ! આવી જ ચોરી સ્પીડવેલ ચોક પાસે, આનંદ બંગલા ચોક નજીક અશોક ગાર્ડન પાસે તેમજ જડ્ડુસ હોટેલ નજીક થવા પામી હતી. અહીં ડિલિવરી બોય એક પાર્સલની ડિલિવરી કરવા એપાર્ટમેન્ટની અંદર ગયા અને બાકીના પાર્સલ સ્કૂટરમાં રેઢા મુકીને ગયા કે તુરંત જ તસ્કરે ત્રાટકીને ૨૨ જેટલા પાર્સલની ચોરીને અંજામ આપ્યો હતો. આ પાર્સલોમાં અન્ડરવિયર, બૂટ-ચપ્પલ સહિતનો સામાન ભરેલો હતો.
આ અંગે પાર્સલ ડિલિવરીનું કામ કરતાં સોહમ મુકેશભાઈ અઘેરાએ ફરિયાદમાં જણાવ્યું કે તે પોતાનું સ્કૂટર લઈને સ્પીડવેલ ચોક નજીક પ્રદ્યુમન એસ્પાયર નામના એપાર્ટમેન્ટમાં એક ડિલિવરી કરવા ગયો હતો જ્યારે બાકીના ૧૪ જેટલા પાર્સલ કે જેમાં અન્ડરવિયર, કપડાં, બૂટ-ચપ્પલ સહિતનો સામાન ભરેલો હતો તે સ્કૂટરમાં જ મુકીનો ગયો હતો.
ડિલિવરી કરીને પરત આવ્યા બાદ આ પાર્સલ ગાયબ થઈ ગયા હતા. તપાસ કરતા એવું ધ્યાન પર આવ્યું હતું કે આ જ રીતે મયુર ચાવડાના ચાર પાર્સલ મવડી પોલીસ હેડ ક્વાર્ટર નજીક વસંત વાટિકા પાસેથી તો ઉમંગસિંહ પરમારના ચાર પાર્સલ જીવરાજ પાર્ક, રિવેરા આઈકોન-બી નજીકની ચોરી થયા હતા. આમ કુલ ૨૨ પાર્સલ કે જેમાં કપડા, બૂટ-ચપ્પલ, અન્ડરવિયર, દવા સહિતનો સામાન ભરેલો હતો. આ સામાન ઓનલાઈન ડિલિવરી કરનારા ગ્રાહકો સુધી પહોંચાડવાનો હતો જેની કિંમત ૧૫૫૦૦ જેટલી થવા જાય છે તેની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.