ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીને પાર, હવામાન વિભાગ દ્વારા હીટવેવ એલર્ટ જારી
ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીએ જનજીવનને અસર કર્યું છે. રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા જેવા મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જે સામાન્ય કરતા 3થી 7 ડિગ્રી વધુ છે.
હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જેમાં તાપમાન 41થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે.અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા 7 ડિગ્રી વધુ નોંધાયું છે, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને તકેદારી રાખવાની સૂચના આપી છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા, ઓખા અને વેરાવળમાં તાપમાન પ્રમાણમાં નીચું રહેશે, પરંતુ ભેજને કારણે અસહ્ય બફારો અનુભવાશે.
આ પણ વાંચો :Dhurandhar 2 Advance Booking: ધુરંધર-2નો ભારે ક્રેઝ: ટિકિટનો ભાવ જાણીને હોશ ઊડી જશે, એડવાન્સ બુકિંગમાં બનાવ્યો મહારેકોર્ડ
ત્રણ દિવસ પછી ગરમીમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જે લોકોને આંશિક રાહત આપશે. સતત બીજા વર્ષે માર્ચમાં અંગ દઝાડતી ગરમી જોવા મળી રહી છે. ગત વર્ષે પણ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, “કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ખેડા, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા અને સુરતમાં યલો એલર્ટ જારી કરાયું છે.”
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જેમાં અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 41થી 42 ડિગ્રી સુધી જઈ શકે છે. ત્યારબાદ થોડી રાહત મળવાની આશા છે.
