હિટવેવ ઇફેક્ટ : રાજકોટમાં લોકો ગરમીથી બફાયા, 5 દિવસમાં 450 મેગાવોટ વીજ વપરાશ વધ્યો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હીટવેવને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે અને બપોરના સમયે જાહેર માર્ગો ઉપર સન્નાટો જોવા મળી રહ્યો છે ત્યારે અંગ દઝાડતી ગરમીમાં રાહત માટે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરવાની સાથે એરકન્ડિશનર તેમજ એર કુલરનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે છેલ્લા પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં દૈનિક વીજમાંગમાં 450 મેગાવોટનો વધારો થયો હોવાનું વીજ કચેરીના વર્તુળો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે સૌરાષ્ટ્રમાં મંગળવારે એક જ દિવસમાં 8330 મેગાવોટ વીજળીનો વપરાશ થયો હતો.
છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અગનભઠ્ઠીમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ છે ત્યારે હિટવેવની સ્થિતિમાં વીજ વપરાશ વધ્યો હોવાના આંકડા સામે આવ્યા છે. પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી વીજ વપરાશમાં 450 મેગાવોટનો વધારો થયો છે. ગત તા.3 એપ્રિલના રોજ 7994 મેગાવોટનાં વપરાશ સામે તા.8ના રોજ એક જ દિવસમાં 8330 મેગાવોટ વીજળીનો વપરાશ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ માસમાં આ જ સમય ગાળામાં વીજળીનો દૈનિક વપરાશ 7500 મેગાવોટ આસપાસ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ગરમીથી બચવા માટે પંખા કામ નથી કરી રહ્યા ત્યારે અમીર-મધ્યમવર્ગ એસી ચલાવી રહ્યા છે અને નબળો વર્ગ ગરમીથી રાહત માટે કુલરનો સહારો લઈ રહ્યા છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હિટવેવની અસર તળે દિવસે અને રાત્રીના સમયે એસીનો વપરાશ વધ્યો હોવાથી વીજ વપરાશ વધ્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર -2024માં વરસાદ ખેંચવાની સાથે ગરમ વાતાવરણ રહેતા વીજ વપરાશ 9000 મેગાવોટ સુધી પહોંચ્યો હતો ત્યારે હીટવેવને કારણે એપ્રિલ માસમાં વીજ વપરાશમાં દૈનિક 450 મેગાવોટ જેટલો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.