ધ્રોલમાં હૈયુ હચમચાવતી ઘટના : 22 વર્ષીય યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પુત્રને પંખે લટકતો જોઈને પિતાને આવ્યો હાર્ટએટેક
જામનગરના ધ્રોલમાં હૈયુ હચમચાવતી ઘટના સામે આવી છે. 22 વર્ષના યુવાને પંખે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો ત્યારે પુત્રની સ્થિતિ જોય પિતાને હાર્ટએટેક આવ્યો હતો. ધ્રોલના વૃંદાવન સોસાયટીમાં રહેતા ભાલચંદ્રભાઈના એકના એક યુવાન પુત્ર નિલેશે (ઉ.૨૨) ગઈ સાંજે ધરે પંખે લટકીને આત્મહત્યા કરી લીધાનો કરુણ બનાવ બન્યો છે. : પિતા ભાલચંદ્રભાઈ પોતાના પુત્રને પંખે લટકતો જોઈને ત્યાંજ ઢળી પડ્યા હતા અને તાકીદે સારવાર હેઠળ ખસેડવામાં આવતા હાલ તબીયત સ્થિર હોવાનું જાણવા મળે છે. પરિવારમાં ભારે આધાત. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના ?
મળતી વિગતો અનુસાર ધ્રોલમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા અને જોડિયા રોડ પર લુહારિકામ અને વેલ્ડીંગ કામની દુકાન ચલાવતા નિલેશ ભાલચંદ્રભાઇ કવૈયા નામના 22 વર્ષના લુહાર જ્ઞાતિના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચાદર બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પુત્રને પંખે લટકતો જોઈને પિતાને આવ્યો હાર્ટએટેક
પુત્ર પંખે લટકી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને તેના પિતા ભાલચંદ્રભાઇ હેબતાઈ ગયા હતા, અને તેઓ પણ બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા. જેમને આડોશી પાડોશીએ સારવાર માટે ધ્રોલમાં પહોંચાડ્યા હતા અને સમગ્ર પરિવાર અને આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ હતી. જોકે મોડેથી ભાલચંદ્રભાઇ ભાનમાં આવી ગયા બાદ ધ્રોલ પોલીસ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગઈ હતી અને તેઓનું નિવેદન નોંધ્યું હતું.
આર્થિક સંકળામણના કારણે પગલું ભર્યું
જેમાં પોતાના પુત્ર નિલેશ કે જેનો છેલ્લા કેટલાક સમયથી કામ ધંધો બરાબર ચાલતો ન હોવાના કારણે આર્થિક સંકળામણ અનુભવતો હતો, અને તેના કારણે આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. જે સમગ્ર બાબતે પોલીસ વધુ તપાસ ચલાવે છે.