ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે એક મહત્વની ટીપ્પણીમાં ગુજરાત હાઇકોર્ટે કહ્યું છે કે, ડી.જે. અને લાઉડ સ્પીકર કરતા શેરી ગરબા જ યોગ્ય છે.ડી.જે. હવે સીમા ઓળંગી રહ્યા છે અને વધુ પડતા અવાજને લીધે માથું ફાટી જાય છે. ઘરની બારીઓ ધ્રુજી ઉઠે છે. આવી સ્થિતિ છતાં પોલીસ દ્વારા પગલાં લેવામાં આવતા નથી તે દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય.
ગુજરાત હાઇકોર્ટે ધ્વનિ પ્રદૂષણ અને તેને મર્યાદિત રાખવા માટે સત્તાધીશોની નિષ્ફળતાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ડીજેના વૂફર્સને કારણે લોકોના મગજને ગંભીર અસર પહોંચી શકે છે અને આ પરિસ્થિતિ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હાઈ કોર્ટની બેન્ચે ગુજરાત સરકારને નિર્દેશ આપ્યા કે તે ધ્વનિ પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને તેમને પોતે જાહેર કરેલા પરિપત્રોનું કડક પાલન કરે.
ગુજરાત સરકાર સામે દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની એક સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જસ્ટિસ એ એસ સુપહિયા અને જસ્ટિસ વી એમ પીરઝાદાની બેન્ચે નિર્દેશ આ આપ્યા હતાં.
ધ્વનિ પ્રદૂષણ મામલે કન્ટેમ્પ અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સરકાર તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ધ્વનિ પ્રધૂષણ અંગે રાજ્ય સરકારે નીતિ તૈયાર કરી છે. જેને લઈને હવે કોઈ પણ કાર્યક્રમ, સભા કે સરઘસ માટે આયોજકોને ફરજિયાત પરમિશન લેવી પડશે. એની સાથે ડીજે અને લાઉડ સ્પીકર માટે તેના માલિકોને અલગથી પરમિશન લેવી જરૂરી રહેશે. અને દર વર્ષે જિલ્લા કલેક્ટર દ્વારા સાયલેન્સ ઝોન જાહેર કરવામાં આવશે. આ મામલે સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રાત્રે 10 થી સવારે 06:00 વાગ્યા સુધી ડીજે ધ્વનિ પ્રદૂષણ પર પ્રતિબંધ છે. રાતે 10:00 થી સવાર 06 સુધી ગૃહ વિભાગના પ્રતિબંધનો પરિપત્ર છે.
આ મામલે બે જજની બનેલી ખંડપીઠમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ડીજે અને લાઉડ સ્પીકર કરતા શેરી ગરબા જ યોગ્ય છે. જીપીસીબીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, 75 ડિસેબલથી વધુ અવાજ વધે નહીં અને જે એરિયામાં જેટલો આવાજ હોય તેનાથી 10 ડિસેબલ વધે નહીં તેવા નિયમો છે. આ મામલે કોર્ટે કહ્યું હતું કે, નિયમોનો ભંગ થાય છે. જો સરકાર પાસે સર્ક્યુલર એસઓપી પોલિસી બધું છે તો તે નિયમોમાં પાલન અંગે એફિડેવિટ ફાઇલ કરે. ડીજેનો આવાજ 129 ડિસેબલ જેટલો હોય છે.
આ મામલી પીઆઈએલ કરનાર વકીલે જણાવ્યું હતું કે, અત્યારે ડીવાયએસપી કક્ષાના નહીં પણ પીઆઇ ડીજેની પરમિશન આપે છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને એક વર્ષમાં સાઉન્ડ સિસ્ટમના વપરાશ માટે 200 મંજૂરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંકુલ સાયલેન્સ ઝોનમાં આવે છે તેમ છતાં મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે કોર્ટે જણાવ્યું હતું કે, ડીજે અને સ્પીકર કરતા શેરી ગરબા વધારે સારા છે. 15 થી 20 ફૂટ ઊંચા ડીજે ટ્રક જતા હોય અને પોલીસ કોઈ પગલા લેતી નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સ્પષ્ટ જાહેરનામાં હોવા છતાં શહેરોમાં ડીજે અને લાઉડ સ્પીકરની સમસ્યા યથાવત છે. જે લોકો માટે એક ગંભીર સમસ્યા બની ગઈ છે. હાઇકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ધ્વનિ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે જે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે.