હેપ્પી બર્થ-ડે PM : રાજકોટના 90 કલાકારોએ તૈયાર કરી અદ્ભુત 75 રંગોળી,તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે ત્યારે મહાપાલિકા તેમજ મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરી દ્વારા 75 પ્રકારની અદ્ભુત રંગોળી તૈયાર કરવામાં આવી છે. 90 કલાકારો દ્વારા તૈયાર કરાયેલી આ રંગોળીમાં વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આખા દેશમાં સાકાર થયેલા તમામ પ્રોજેક્ટને આવરી લેવામાં આવ્યા છે.

આ રંગોળી મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે તૈયાર કરાઈ છે જેનું આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી સવારે 10થી સાંજે છ વાગ્યા સુધી પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત સરગમ ક્લબના સહયોગથી સ્વચ્છ ભારત મિશનની 11મી વર્ષગાંઠ નિમિત્તે આજથી 31 ઓક્ટોબર સુધી મહાપાલિકા દ્વારા `સ્વચ્છોત્સવ’ ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત આજે રાત્રે 8ઃ30 વાગ્યે હેમુ ગઢવી નાટ્ય ગૃહ ખાતે કલ્ચરલ ફેસ્ટ (સંગીત સંધ્યા)નું આયોજન કરવામાં આવ્યું છે.


90 કલાકારોએ કુલ 75 પ્રકારની અદ્ભુત રંગોળી બનાવી
આ ઉત્સવમાં 90 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો અને કુલ 75 રંગોળીઓ બનાવી હતી. આ રંગોળીઓ ફક્ત કલાનું પ્રદર્શન નહોતી, પરંતુ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશભરમાં થયેલા વિવિધ પ્રોજેક્ટ્સની ઝલક પણ રજૂ કરતી હતી.

કલાકારોએ પોતાની કલા દ્વારા વિવિધ પ્રોજેક્ટ જેવા કે સ્વચ્છ ભારત મિશન, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, અને આયુષ્માન ભારત યોજનાને સુંદર રીતે રંગોળીઓમાં કંડારી હતી.



