ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થા શ્રેષ્ઠ ગણાવાઈ
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ બેઠકમાં
વરસે 25 લાખ મેટ્રિક ટન અનાજ 350 ગોડાઉનથી 17 હજાર વાજબી ભાવની દુકાનો સુધી પહોંચે છે.
કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને પૂનામાં યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ગુજરાતના સપ્લાય ચેઈન ઓટોમેશન પ્રેઝન્ટેશને બેસ્ટ પ્રેક્ટિસીસ અંતર્ગત સરાહના મેળવી હતી.
આ બેઠકમાં સહભાગી ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાષિત પ્રદેશ દીવ-દમણ, દાદરા-નગર હવેલીની એક-એક બેસ્ટ પ્રેક્ટિસીસનું પ્રસ્તુતિકરણ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું.
ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સપ્લાય ચેઈન ઓટોમેશનની આ બેસ્ટ પ્રેક્ટિસીસ અન્વયે પસંદગી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિશાળ અને સુસંચાલિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પી.ડી.એસ., આઈ.સી.ડી.એસ. અને પી.એમ. પોષણ યોજના મળીને વાર્ષિક અંદાજે 25 લાખ મેટ્રિક ટન અને અંદાજે 8 હજાર કરોડથી વધુ મૂલ્યનું અનાજ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તથા રાજ્ય સરકારના 350 ગોડાઉન પરથી 17 હજારથી વધુ વ્યાજબી ભાવની દુકાનો સુધી વિતરણ થાય છે.
આ વ્યવસ્થા અન્વયે વાહનો પર જીપીએસ, લોડ સેન્સર, જિઓ-ફેન્સિંગ, સિસ્ટમ ઈન્ટિગ્રેશન અને ઓટોમેટિક એલર્ટ તથા સીસીટીવી જેવા અદ્યતન સાધનો દ્વારા આ સપ્લાય ચેઈનનું મોનિટરિંગ થતું હોવાથી માનવીય હસ્તક્ષેપ ઘટયો છે.
એટલું જ નહિ આ સિસ્ટમમાં વાર્ષિક 3.25 લાખ ટ્રક ટ્રિપનું સેન્ટ્રલ મોનિટરિંગ દ્વારા ટ્રેકિંગ થાય છે. પરિણામે છેવાડાના લાભાર્થીને પણ સમયસર અને યોગ્ય રીતે અનાજનું વિતરણ સરળતાથી થાય છે અને લાસ્ટ માઈલ ડિલિવરી સુનિશ્ચિત પણ થાય છે.
આ પદ્ધતિને પરિણામે રાજ્યના 75 લાખથી વધુ એન.એફ.એસ.એ.કાર્ડધારક પરિવારોના 3 કરોડ 70 લાખ લોકો, 17 હજાર વાજબી ભાવની દુકાનો, 52 હજાર આંગણવાડી કેન્દ્રો અને 30 હજાર પી.એમ. પોષણ સેન્ટર્સ સુધી ખાદ્યાન્ન અને સામગ્રી સરળતાએ પહોંચાડી શકાય છે.