રમશે ગુજરાત : કાલથી ખેલ મહાકુંભનો પ્રારંભ
૩૨ ઓલમ્પિક સ્પોર્ટ્સ, ૭ ઇમર્જિંગ સ્પોર્ટ્સ, અને ૨૫ પેરા સ્પોર્ટ્સ જેવી રમતોનું આયોજન…
દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, વોલીબોલ અને સ્વિમિંગમાં ભાગ લઇ શકશે
રાજ્યના યુવાનો રમત ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે તે આશયથી વર્ષ -૨૦૧૦માં શરૂ કરેલ ખેલ મહાકુંભ ૩.૦ તા.૫ ડિસેમ્બર થી ૩૧ માર્ચ ૨૦૨૫ના રોજ યોજાશે તેવી જાહેરાત રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ કરી છે. તેમણે કહ્યું છે કે, આ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ૩૯ રમતો , ૩૨ ઓલમ્પિક સ્પોર્ટસ, ૭ ઇમર્જિગ સ્પોર્ટ્સ, અને સ્પે. ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ૨૫ પેરા સ્પોર્ટ્સ જેવી રમતોનું આયોજન કરવામાં આવનાર છે.
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન, ખેલ મહાકુંભ ૩.૦માં કરવામાં આવેલ નવા ફેરફારો, વિજેતા ખેલાડીઓને પુરસ્કાર તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટેનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ જેવી નવી બાબતોનો આ વર્ષે ખેલ મહાકુંભમાં આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ ૩.૦ તા.૫ ડિસેમ્બર ૨૦૨૪ થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી યોજવામાં આવશે. આ ખેલ મહાકુંભ ૭ વિભિન્ન વયજુથ ધરાવતા ગ્રુપોમાં યોજવામાં આવશે. જેમાં અંડર-૯, ૧૧, ૧૪, ૧૭, ઓપન કેટેગરી, ૪૦ વર્ષથી વધુ તેમજ ૬૦ વર્ષથી વધુ વયજુથ ધરાવતા ખેલાડીઓ ભાગ લઇ શકશે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ તા.૦૫, ડિસેમ્બર થી ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ઓનલાઈન રજીસ્ટે્રશન કરાવી શકશે. ખેલ મહાકુંભનો ઉદ્ઘાટન સમારોહ ૦૪ અથવા ૦૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ આયોજન કરવામાં આવશે. શાળા તેમજ ગ્રામ્ય કક્ષાની રમતોમા એથલેટીક્સ, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ જેવી રમતોનો આયોજન તા.૦૧ થી ૦૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ કરવામાં આવશે.
આ વર્ષે સ્પે. ખેલ મહાકુંભ ૩.૦માં (૧) શારિરીક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, વોલીબોલ અને સ્વીમીંગમાં ભાગ લઇ શકશે, (૨) માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, સ્વીમીંગ, રોલર સ્કેટીંગ, હેન્ડબોલ, ટેબલ ટેનીસ, બેડમિન્ટન, ક્રિકેટ, ફૂટબોલ, સોફ્ટબોલ જેવી રમતોનો સમાવેશ થાય છે, (૩) અંધજન દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, ચેસ, (૪) બહેરામુંગા દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, ચેસ, વોલીબોલ તેમજ (૫) સેરેબલ પાલ્સી દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, રમતમાં ભાગ લઇ શકશે.
કઇ કઇ રમતો રમાશે
તાલુકા કક્ષાએ ૭ રમતો એથ્લેટીક્સ, ચેસ, યોગાસન, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ જેવી રમતોનું આયોજન તા.૬ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ યોજવામાં આવશે.
જિલ્લા કક્ષાએ આર્ચરી, આર્ટીસ્ટીક સ્કેટીંગ, એથ્લેટીક્સ, બેડમિન્ટન, ચેસ, જુડો, કરાટે, લોન-ટેનીસ, સ્કેટીંગ, સ્વીમીંગ, ટેબલ ટેનીસ, ટેકવોન્ડો, કુસ્તી, યોગાસન, બાસ્કેટબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખોખો, રગ્બી, શુટીંગબોલ, રસ્સાખેંચ, વોલીબોલ જેવી રમતોનું આયોજન તા.૧૫ જાન્યુઆરી ૩૧ જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવશે.
ઝોન કક્ષાની રમતોમાં બાસ્કેટબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખોખો, શુટીંગબોલ, રસ્સાખેંચ, વોલીબોલ જેવી રમતોનું આયોજન ૦૧ થી ૧૩ ફેબ્રુઆરી સુધી યોજવામાં આવશે. રાજ્યકક્ષાએ રમતોનું આયોજન ૨ ફેઝમાં કરવામાં આવશે. જેમાં ફેઝ -૧- ૧૫ થી ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ અને ફેઝ-૨- ૧૫ માર્ચથી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી ખેલ મહાકુંભ ૨.૦ નો આયોજન કરવામાં આવશે. જેમાં ફેઝ -૧ અને ફેઝ -૨ની રમતોમાં આર્ચરી, એથ્લેટીક્સ, બેડમિન્ટન, બોકસીંગ, ચેસ, સાયકલીંગ, ફેન્સીંગ, જીમ્નાસ્ટીક, ઘોડેસવારી, જુડો, કરાટે, લોન ટેનીસ, મલખંભ, શુટીંગ, સ્કેટીંગ, આર્ટીસ્ટીક સ્કેટીંગ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટ્સ કલાઈમ્બીંગ, સ્વીમીંગ, ટેબલ ટેનીસ, ટેકવોન્ડો, વુડબોલ, વેઇટ લીફ્ટીંગ, કુસ્તી, યોગાસન, બાસ્કેટબોલ, બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખો-ખો, રોલબોલ, રગ્બી, શુટીંગબોલ, સેપક ટકરાવ, રસ્સાખેંચ અને વોલીબોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવશે.