આજથી ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ
દેશ અને દુનિયામાં જાણીતા બનેલા ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજથી શાનદાર પ્રારંભ થવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક દેશના વડા તથા પ્રતિનિધિઓ આ મેગા ઇવેન્ટમાં જોડાઈ રહ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સમિટમાં ભાગ લેવા વિદેશી વડાઓ પહોંચી ગયા હતા. સમિટમાં હજારો કરોડના એમઓયુ વિવિધ દેશો સાથે થવાના છે.
આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. સમિટની 10 મી આવૃત્તિ 10 થી 12 જાન્યુઆરી સુધી યોજાશે.
આગામી સમયમાં ગુજરાતમાં ભારે મોટું રોકાણ આવશે અને તેના માટે વિદેશી મહેમાનોએ ઉત્સાહ દેખાડ્યો છે. સમિટ પહેલા વડાપ્રધાન મોદીએ મહાત્મા મંદિર ખાતે વિવિધ મહાનુભાવો સાથે બેઠક કરી હતી. ગુજરાત સહિત દેશના અલગ અલગ સ્થળો પર રોકાણ અંગે મહત્વની ચર્ચા થઈ હતી.
સમિટ માટે ગાંધીનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. મહેમાનો માટે ગુજરાતી ભોજન અને ખાસ મિલેટની વાનગીઓ પીરસવામાં આવશે. સોમવારે રાત્રે વડાપ્રધાન ગાંધીનગર આવી પહોંચ્યા હતા અને એમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ એમણે ભાજપના નેતાઓ સાથે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સી આર પાટિલ સાથે ચર્ચા કરી હતી.
ત્યારબાદ મંગવારે બપોરે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાને દેશના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન અન્ય મહાનુભાવોએ તેનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમ બાદ યુએઈના પ્રમુખ શેખ મહમદ બિન નાહયાન સાથે વડાપ્રધાને ભવ્ય રોડ શો કર્યો હતો અને લોકો એમને જોવા ઉમટી પડ્યા હતા. એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી રોડ શો થયો હતો. સાંજે 7 વાગ્યા બાદ હોટેલ લીલા ખાતે યુએઇના વડા સાથે મોદીની બેઠક થઈ હતી અને બંને નેતાઓએ પારસ્પરિક સહયોગ વધારવા વાત કરી હતી.