હવાઈ સફર પાછળ ગુજરાત સરકારનોકરોડો રૂપિયાનો ધુમાડો : ચોંકાવનાર આંકડા વિધાનસભામાં આવ્યા સામે
વડાપ્રધાનનો વિદેશયાત્રા પાછળનો ખર્ચ હાલમાં ચર્ચાના એરણે ચડયો છે ત્યારે ગુજરાત સરકાર પણ હવાઈયાત્રા કરવામાં પાછળ ન હોવાના ચોંકાવનાર આંકડા વિધાનસભામાં સામે આવ્યા છે. વિધાનસભામાં પુછાયેલા જવાબમાં સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, છેલ્લા બે વર્ષમાં સરકારની માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેઈન્ટેનન્સ, પાર્કિંગ, ભાડુ, ફફ્યુઅલ, પાઈલોટ અને અન્ય સ્ટાફ માટે રૂપિયા ૬૧,૯૭, ૬૩,૪૬૨ ખર્ચ કર્યા છે અને ૧૯૮ કરોડના ખર્ચે નવું વિમાન પણ ખરીદી કરવામાં આવ્યું છે.
વિધાનસભાના બજેટસત્રમાં દાંતાના ધારાસભ્ય કાન્તીભાઈ કાળાભાઈ ખરાડીએ પ્રશ્ન પૂછયો હતો કે, તા.૩૧/૦૧/૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર સરકારની માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેઈન્ટેનન્સ, પાર્કિંગ, ભાડુ, ફ્યુઅલ, પાઈલોટ અને અન્ય સ્ટાફ માટે કેટલો ખર્ચ થયો, જેના જવાબમાં નાગરિક ઉડ્ડયન વિભાગે અથથધ આંકડાનો ખર્ચનો હિસાબ આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪માં સરકાર રૂ.૨૩,૩૮, ૮૯,૪૫૨ અને વર્ષ ૨૦૨૪-૨૫માં સરકારે રૂ.૩૮,૫૮,૭૪,૦૧૦ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
બીજીતરફ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ કાનાભાઈ ચુડાસમાએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા નવું વિમાન ખરીદવાની મંજૂરી આપવામાં આવેલ છે તે હકીકત સાચી છે, જો હા, તો તા.૩૧-૦૧-૨૦૨૫ની સ્થિતિએ ઉક્તત વિમાન રાજ્ય સરકારને ક્યારે મળેલ છે, અને વિમાન માટે કંપનીને કેટલી રકમ ચૂકવવામાં આવેલ છે? જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ૨૧-૧૧-૨૦૧૯ના રોજ સરકારે વિમાનની ખરીદી કરી છે. અને વિમાન ખરીદી પેટે કંપનીને રૂ.૧૯૭,૯૦,૨૨,૩૬૬ એકસો સત્તાળું કરોડ નેવું લાખ બાવીસ હજાર ત્રણસો છાસઠ ચુકવવામાં આવ્યા છે.