મહાકુંભથી પરત આવતા ગુજરાતના શ્રદ્ધાળુઓન નડ્યો અકસ્માત : કાર-ટ્રક વચ્ચે ટક્કર થતાં 4 લોકોના કમકમાટીભર્યા મોત
પ્રયાગરાજ ખાતે આયોજીત મહાકુંભ મેળામાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી.હવે મહાકુંભની પુર્ણાહુતી થઈ છે. આ દરમિયાન એક ગોજારી ઘટના સામે આવી છે.ઝાંસી-કાનપુર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો હતો. પ્રયાગરાજથી પરત ફરતા ગુજરાતના ચાર લોકોના અકસ્માતમાં મોત નિપજ્યા છે. મૃતકોમાં ગારિયાધાર અને ભાલવાવના ચાર લોકો સામેલ છે જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત યુવતીને ઝાંસીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી.
મૃતકોમાં કોણ કોણ સામેલ ?
મળતી માહિતી અનુસાર, મૃતકોમાં ગારિયાધારના રૂપાવટીના બિપિનભાઈ અને ભાવનાબેન જ્યારે ભાલવાવના જગદીશભાઈ અને કૈલાશબેનનો સમાવેશ થાય છે. જ્યારે દીકરી ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. આ ગમખ્વાર અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રયાગરાજથી પાછો આવતો પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો.
પોલીસે શું કહ્યું ?
અકસ્માતના અહેવાલથી વિસ્તારમાં સોંપો પડી ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે જણાવ્યું કે ગુજરાતના પરિવારની કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને એકાએક ડ્રાઈવરે સ્ટીયરિંગથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનો દાવો છે.