ગુજરાત બજેટ 2025 : રમત-ગમત અને ગ્રંથાલયો માટે બજેટમાં રૂ.૧૦૯૩ કરોડ ફાળવાયા, લોકમેળા જીવંત કરવા ૧૭ કરોડ ફાળવાયા
- વિવિધ જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ માટે ૫૨૧ કરોડની જોગવાઇ : લોકમેળા જીવંત કરવા ૧૭ કરોડ ફાળવાયા
ગાંધીનગર : ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ રૂપિયા ૧૦૯૩ કરોડની જોગવાઇ કરી ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે તે માટે તેઓને ખાસ તાલીમ આપવા અને રમતગમત સંકુલોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારા ધોરણ સાથે વિકાસ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.
રાજ્યના બજેટમાં સરકારે રમતગમત ક્ષેત્રે રૂ.૫૨૧ કરોડની જોગવાઇ કરી છે જેમાં વિવિધ જીલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે રૂ.૧૨૫ કરોડ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવા રૂપિયા ૩૩ કરોડ, પુરાતત્વ અને સંગ્રહાલય માટે રૂ.૧૮૨ કરોડ ફાળવી ગ્રંથાલયો માટે ₹૧૩૮ કરોડની જોગવાઇ કરી છે જેમાં ૭૧ તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂ કરવા રૂ.૧૬ કરોડની જોગવાઇ રાખવામાં આવી છે.
આ ઉપરાંત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય અકાદમી માટે રૂ.૨૦૮ કરોડની જોગવાઇ કરી રાજ્યમાં લોકમેળાઓ પુન: જીવિત કરવા તથા કલા મહોત્સવના આયોજન માટે રૂ.૧૭ કરોડની જોગવાઇ કરી દેશ-વિદેશનાં લોકો નરસિંહ મહેતા અને અન્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જાણી અને માણી શકે તે માટે ‘નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર’ માટે રૂ.૧૦ કરોડની જોગવાઇ કરી છે.