ગુજરાત ફરીવાર બન્યું ‘ટાઈગર સ્ટેટ’: સિંહ અને દીપડા પછી હવે વાઘનું પણ ઘર, NTCAએ આપ્યો દરજ્જો
સિંહ અને દીપડા પછી હવે ગુજરાત વાઘનું સત્તાવાર રહેઠાણ બન્યુ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)એ 33 વર્ષના લાંબા સમયગાળા પછી ગુજરાતને ફરીથી ‘વાઘની હાજરી ધરાવતું રાજ્ય’ જાહેર કર્યું છે. છેલ્લા 10 મહિનાથી ચાર વર્ષનો વાઘ દાહોદના રતનમહાલમાં સ્થાયી થયો હોવાના પૂરાવા મળ્યા છે, અને ગુજરાતમાં વાઘની સત્તાવાર હાજરી નોંધાઈ છે.વનવિભાગ દ્વારા માદા વાઘની પણ માગ કરવામાં આવી છે. તેમજ વાઘના પરિવારના વસવાટ માટે તમામ વ્યવસ્થાની તૈયારી છે.
ઓથોરિટીએ જણાવ્યું છે કે ગુજરાતના જંગલ વાઘ માટે અનુકૂળ હોવાનો પુરાવો છે. ઓથોરિટીની ટીમે ગુજરાતના રતનમહાલની મુલાકાત કરી હતી. રતનમહાલને ટાઈગર રિઝર્વ બનાવવાની પ્રક્રિયા ઝડપી કરાશે.
વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને વાઘની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે વાઘની વસ્તી વધારવા માટે એક વાઘણની માગ પણ કરી છે, જેથી રાજ્યમાં વાઘનો પરિવાર વસાવી શકાય. સરકારનું માનવું છે કે અનુકૂળ પર્યાવરણ અને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી વાઘના કુટુંબ માટે ગુજરાત સંપૂર્ણ રીતે તૈયાર છે.
