GSEB ધો.૧૦નું પરિણામ જાહેર : જાણો ક્યા જીલ્લામાં સૌથી વધુ અને ક્યા જીલ્લામાં સૌથી ઓછુ પરિણામ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં તા.11મી મેના રોજ ધોરણ-૧0નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ-10 નું ગુજરાત બોર્ડનું 82.56 ટકા પરિણામ જાહેર થયું છે તો રાજકોટ જિલ્લાનું 85.23 ટકા પરિણામ આવ્યું છે. છેલ્લા ૫ વર્ષમાં રેકોર્ડબ્રેક રીઝલ્ટ આ વર્ષે આવ્યું છે. પરિણામ સામે આવતા વિધાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે સાથે જ વિધાર્થીના માતા-પિતા પણ બાળકોની મહેનતનું શ્રેષ્ઠ પરિણામ જોઈને ખુશ થયા હતા.
રાજ્યમાં ચૂંટણી મતદાન પુરુ થતા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ અને ત્યારબાદ આજે ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જીલ્લાઓમાં નજર કરીએ તો ગાંધીનગર જિલ્લો 87.22 ટકા સાથે મોખરે રહ્યો છે તો પોરબંદર જિલ્લાનું 74.57 ટકા સૌથી નીચું પરિણામ આવ્યું છે. આ વર્ષે 2024નું 82.56 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ 2023માં 64.62 ટકા રહ્યું હતું. આ જોતા 17.94 ટકાનો વધારો થયો છે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડનું પરિણામ 2024 સત્તાવાર વેબસાઇટ gseb.org પર જોઇ શકાશે.
GSEB SSC Result 2024 : કેવી રીતે ચેક કરવું
સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
હવે GSEB પરિણામ 2024 લિંક પર ક્લિક કરો
હોલ ટિકિટ પર SSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો
હવે GSEB ની માર્કશીટ તમારી સામે હશે
આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો.
9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.