લોભ: સસ્તા ભાવે કોઈ વસ્તુ ખરીદવાની લ્હાય
લાલચ: શોર્ટકટથી રૂપિયા કમાઈ લેવાની ઈચ્છા
મજબૂરી: ખીસ્સું ખાલી હોય ભરવાની ઘેલછા
આ ત્રણ ફેક્ટર જ સાયબર માફિયાઓને આપે છે મોકળું મેદાન
તમે માનશો નહીં…તમે કઈ વેબસાઈટ કેટલી વખત જોઈ, કેટલીવાર રોકાયા, તમને કઈ વસ્તુમાં રસ પડે છે, તમારા સોશ્યલ મીડિયા એકાઉન્ટ કેટલા છે, આધારકાર્ડ-પાનકાર્ડ-લાયસન્સમાં તમારું નામ શું છે તે બધું જ એક ક્લિકથી જાણી શકે છે માફિયાઓ…!
તમારો રસ' જાણીને કરાય છે ટાર્ગેટ પેટા: ડિઝિટલ અરેસ્ટ, શેરબજારમાં રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચે નવડાવી નાખવા સહિતના એક-એકથી ચડિયાતા ક્રાઈમની શરૂઆત જ આ રીતે થાય છે
રાજકોટ સહિત આખા દેશમાં તમને દરરોજ સાંભળવા મળશે જ કે ફલાણા શહેર, ઢીકણા ગામમાં જે-તે વ્યક્તિના લાખો રૂપિયા સાયબર માફિયાઓએ લૂંટી લીધા છે. આ પ્રકારના ગુન્હા હવે રોજિંદા બની જવા પામ્યા છે પરંતુ સાયબર માફિયાઓ જે પ્રકારે લૂંટ ચલાવી રહ્યા છે તેના કારણે અનેક વ્યક્તિ આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. સાયબર ક્રાઈમ શા માટે વધી રહ્યું છે તે કહેવાની હવે જરૂરિયાત લાગી રહી નથી કેમ કે આ માટે સામાજિક સંસ્થાઓ અને પોલીસ દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ ત્રણ ફેક્ટર કે જે સાયબર માફિયાઓને મોકળું મેદાન આપી રહ્યા છે તેના પર પ્રકાશ પાડીએ તો એ લોભ, લાલચ અને મજબૂરી છે. આ
કોકટેલ’ને કારણે જ લોકો લાખો-કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે અને આશ્ચર્ય એ વાતનું છે કે પોલીસ માફિયાઓ સુધી પહોંચી પણ શકતી નથી.
સૌથી પહેલાં વાત લોભની કરીએ…લોભ મતલબ કે સસ્તા ભાવે કોઈ વસ્તુ ખરીદવાની લ્હાય…સોશ્યલ મીડિયા પર અત્યારે એવી એપ્લીકેશનોનો ઢગલો છે જ્યાં સસ્તા ભાવે મોબાઈલ, કપડાં, જૂતા સહિતની અનેક વસ્તુઓ બજારભાવ કરતા ઓછા ભાવે વેચાઈ રહ્યાની જાહેરાતો અલગ-અલગ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. બસ, આ જાહેરાત જોઈને લોકો તેના પર ક્લિક કરી બેસેને છે અને પછી શરૂ થાય છે ખેલ' પૈસા ખંખેરવાનો...લોકોને ખબર પણ પડતી નથી કે સસ્તા ભાવે વસ્તુ ખરીદવાના ચક્કરમાં તેમણે કેટલા રૂપિયા ગુમાવી દીધા છે. જ્યારે ભાન થાય છે ત્યારે સીધા પોલીસ પાસે દોટ મુકે છે...! આ પછી વાત આવે છે લાલચની...લાલચ મતલબ કે શોર્ટકટમાં ખીસ્સા ભરી લેવાની તાલાવેલી...સાયબર માફિયાઓ માટે આ સોફ્ટ ટાર્ગેટ છે. ઈન્સ્ટાગ્રામ, વોટસએપ, ફેસબુક સહિતની એપ્લીકેશન ઉપર ફલાણા ટાસ્ક પૂરા કરો, શેરબજારમાં માત્ર આટલું રોકાણ કરો અને પછી મેળવો આટલું વળતર, ઘરબેઠા જોબ કરો અને તગડો પગાર મેળવો આ સહિતની જાહેરાતોનું એક બેનર તૈયાર કરીને વિવિધ પ્લેટફોર્મ ઉપર ચીપકાવી દેવામાં આવે છે.
આ બેનર જોઈને લોકો ભરમાઈ જાય છે અને પછી પૈસા ગુમાવ્યા વગર તેમની આંખ ઉઘડતી નથી. આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે આ ફ્રોડમાં ભોગ બનનારા લોકોમાં અભણ કરતા ભણેલાઓની સંખ્યા વધુ છે ! ત્યારબાદ વાત આવે છે મજબૂરીની...અત્યારે રાજકોટમાં જ અનેક એવા યુવાનો, આધેડ કે પછી તેનાથી મોટી ઉમરના લોકો હશે જેઓ રોજગારીની શોધમાં જ રહેતાં હોય છે. હાલ દરેક વ્યક્તિ પાસે પોતાનું બેન્ક એકાઉન્ટ ઉપલબ્ધ રહે છે પરંતુ તેમાં ફદીયું'ય હોતું નથી. બસ, આ વાતનો ફાયદો સાયબર માફિયાઓ ઉપાડતાં એક મિનિટ લગાડતાં નથી.
આ પ્રકારના એકાઉન્ટ ભાડે મેળવી લ્યે છે અને એ એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયા વિદેશમાં ટ્રાન્સફર કરી દેતા હોય છે. જો કે એકાઉન્ટ ધારકને પાંચ-પંદર હજારથી વધુ કશું મળતું નથી અને જ્યારે પોલીસનો રેલો આવે ત્યારે મરવાનું સૌથી પહેલું તેમને જ થાય છે !! હવે તમને પ્રશ્ન એ થશે કે કોઈ લોભી છે, કોઈ લાલચું છે કે કોઈ મજબૂર છે તેની ખબર સાયબર માફિયાઓને ખબર કેવી રીતે પડે છે ? આ જ તો મુદ્દાની વાત છે...સાયબર માફિયાઓ આ બધી જ વાત એક ક્લિક પર જાણી શકે છે જેનું જીવંત ઉદાહરણ પણ
વોઈસ ઓફ ડે’ જોઈ ચૂક્યું છે. તમે કઈ વેબસાઈટ કેટલી વખત જોઈ, કેટલીવાર રોકાયા, તમને કઈ વસ્તુમાં રસ પડે છે, તમારા સોશ્યલ મીડિયા એકાઉન્ટ કેટલા છે, આધારકાર્ડ-પાનકાર્ડ-લાયસન્સમાં તમારું નામ શું છે તે બધું જ માફિયાઓ જાણી શકે છે. આ માટે તેઓ ડાર્કવેબ નામની વેબસાઈટનો ઉપયોગ કરે છે જ્યાં પાણીના ભાવે વેચાયેલા મોબાઈલ નંબરનો ડેટા ઉપલબ્ધ છે. આ મોબાઈલ નંબર પોતે બનાવેલી એપ્લીકેશનમાં નાખે એટલે તે નંબરના ધારકનું અતથી ઈતિ સુધીનું કોમ્પ્યુટર, લેપટોપ અથવા મોબાઈલની સ્ક્રીન ઉપર પ્રદર્શિત થઈ જાય છે !!
આપણું કશું જ સુરક્ષિત નથી, ન તો આધાર કે ન તો પાન
આ વાત અમે નહીં બલ્કે ખુદ પોલીસ કહી રહી છે કે આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના સંવેદનશીલ ડોક્યુમેન્ટ અત્યારે સુરક્ષિત નથી. સૌ કોઈ જાણે છે કે કોઈએ લોન લેવી હોય તો સૌથી પહેલાં આધાર અને પાનકાર્ડ આપવું પડે છે. આ કાર્ડ અપાયા બાદ તેનો ડેટા ક્યાં ક્યાં ફરી રહ્યો હોય તેની કોઈને જાણકારી હોતી નથી. આ ઉપરાંત ઉપરોક્ત કાર્ડનો ડેટા વેચવા માટે બજારમાં હજારો લોકો બેઠા હોય છે !
તો પછી ઉપાય શું ? ગળે ઉતરે નહીં તેવો…!
સામાન્ય રીતે કોઈ તકલીફ હોય તો તેનાથી બચવા માટેનો ઉપાય પણ હોય જ છે. સાયબર ક્રાઈમથી બચવા માટે પણ એક ઉપાય છે પરંતુ તેનું પાલન કરી શકે તેવી સ્થિતિ અથવા તો હિંમત કોઈનામાં નથી. આનાથી બચવા માટે લોકોએ બને એટલું ઓછું ઓનલાઈન થવાનું અને બને એટલું ઓછું ઈન્સ્ટાગ્રામ, વોટસએપ અને ફેસબુક વાપરવાનું રાખવું જોઈએ. જેટલો સમય સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહે એટલા સમય દરમિયાન કોઈ પણ પ્રકારની છેતરામણી જાહેરાત પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. જો આ બધાનું ચુસ્ત પાલન થશે તો જ પછી બચી શકાશે.