વિદ્યાર્થીઓની સંખ્યા પર ગ્રાન્ટ નિર્ભર! શહેરમાં 80% અને ગ્રામ્ય વિસ્તારમાં 55% હાજરી હશે તો જ સ્કૂલોને 100% ગ્રાન્ટ
રાજ્ય સરકારની શિક્ષણ નીતિમાં ફરી એક મહત્વનો વળાંક આવ્યો છે. બે વર્ષ અગાઉ ગ્રાન્ટ કાપની નીતિ રદ કર્યા બાદ હવે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે નવી માર્ગદર્શિકા અમલમાં લાવવાની તૈયારી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સરાસરી હાજરીને આધાર બનાવી શાળાઓને મળતી ગ્રાન્ટ નક્કી કરવાના નિર્ણયથી અનેક ગ્રાન્ટેડ સ્કૂલો પર આર્થિક દબાણ વધવાની શક્યતા છે.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે અલગ-અલગ હાજરીના ધોરણો નક્કી કરી રાજ્ય સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે વિદ્યાર્થી સંખ્યા અને હાજરી પ્રમાણે જ શાળાઓને ગ્રાન્ટ મળશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સરાસરી હાજરી તથા વર્ગ દીઠ પ્રવેશ સંખ્યાના ધોરણો નક્કી કરેલા છે.
આ પણ વાંચો :રાજકોટનો મેરેથોનમેન: ASI ખેરનું નામ વિખ્યાત ‘પ્રોકેમ સ્લેમ’ વોલમાં થયુ અંકિત! આ ઉપલબ્ધિ હાંસલ કરનાર ગુજરાતના પ્રથમ પોલીસકર્મી બન્યા
ઉપરાંત 2023માં ઠરાવ બહાર પાડી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા વર્ગ, વધારાના વર્ગ, ક્રમિક વર્ગ વધારા તથા વર્ગ ઘટાડા અંગેની કાર્યપદ્ધતિ નક્કી કરવા સંકલિત સૂચના પણ બહાર પાડી હતી. દરમિયાન, તાજેતરમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સરાસરી હાજરીમાં ઘટાડો થતાં વિદ્યાર્થી સંખ્યાને ધ્યાને લઈને શાળાની ગ્રાન્ટ કાપ કરવા માટે માર્ગદર્શક સૂચના બહાર પાડવા માટે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્યમાં આવેલી લઘુમતી શાળાઓ સહિત તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સરાસરી હાજરીમાં ઘટાડો થતાં વિદ્યાર્થી સંખ્યાને ધ્યાને લઈને ગ્રાન્ટ કાપ અંગે ધો-9થી 12 માટેના માપદંડો નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર માટે વિદ્યાર્થીઓની સરાસરી હાજરીના માપદંડના આધારે 25 ટકાથી લઈને 80 ટકા સુધીની ગ્રાન્ટ કાપનો નિર્ણય કરાયો છે.
