ભરૂચના જંબુસર નજીક ઈકો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત : 6 લોકોના કમકમાટીભર્યા મોત, પતરાં ચીરીને મૃતદેહને બહાર કઢાયા
રાજ્યામાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ બનતી અકસ્માતની ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામે છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ભરૂચમાં સામે આવી છે જેમાં જંબુસરના મગણાદ પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. કારમાં સવાર 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક બનાવસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર આ ઘટના ભરૂચ જિલ્લાના જબુંસર-આમોદ માર્ગ પર બની હતી જ્યાં ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૬ લોકોના મોત થયા હોવાની માહિતી મળી હતી. જયારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જબુંસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળાઓ ઉમટી પડ્યા છે. જબુંસર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, ઇકો કારનું પતરું ચીરી લોકોને બહાર કઢાયા હતા
શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જઈ રહ્યો હતો પરિવાર
ભરૂચ જિલ્લાના જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા સમયે મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકા ભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના ઇકોમાં બેઠેલા લોકોની ચીસોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ અકસ્માતને લઈને રોડ પર પણ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. અકસ્માતમાં વાહનોની હાલત જોઈને રોડ પર ઉભેલા લોકોના પણ રૂવાંડા ઉભા થઈ ગયા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ૧૦ લોકોમાંથી ૬ લોકોના મોત નિપજ્યા છે જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જબુંસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. 6 લોકોના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામની યાદી
સપનાબેન જયદેવ ગોહિલ,
જયદેવ ગોવિંદભાઇ ગોહિલ
કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ,
હંસાબેન અરવિંદ જાદવ,
સંધ્યાબેન અરવિંદ જાદવ,
વિવેક કુમાર ગણપતે
ઇજાગ્રસ્તોની યાદી
નિધિ બહેન નીધીબેન ગણપત, મિતલબેન ગણપ, ગણપતભાઇ રમેશભાઈ, અરવિંદભાઈ રયજીભાઈનો સમાવેશ થાય છે. ભયંકર રોડ અકસ્માતની જાણ થતાં જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં.