સરકારી જમીન વેચી માર્યાનું કૌભાંડ : ગોંડલના ત્રાકુડાના પૂર્વ તલાટીમંત્રી મંત્રી સામે FIR, 44 પ્લોટ માટે બનાવ્યા દસ્તાવેજ
વાડજ ચીભડા ગળી જાય તે મુજબ ગોંડલના ત્રાકુડા ગામના તત્કાલીન તલાટીમંત્રી ધર્મેશ રત્નાભાઈ હાપલિયાએ તાલુકા વિકાસ અધિકારી, સર્કલ ઓફિસરના બોગસ સહી-સિક્કાઓ કરી ગામતળના 6,260 ચોરસ મીટર જમીન બારોબાર અન્યોને 100 ચોરસ મીટર રૂપે ફાળવી દઈને સરકારી નિયમ ભાવ જંત્રી મુજબ 70 લાખ રૂપિયા બારોબાર ઉઘરાવી લઈને બોગસ દસ્તાવેજો બનાવી કૌભાંડ આચર્યાના આરોપસર ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ વર્તમાન તલાટીમંત્રી ભાવેશભાઈ અમૃતલાલ ઉદેશીએ નોંધાવી છે. પોલીસે કૌભાંડમાં આરોપી ધર્મેશ સાથે અન્ય કોઈની સામેલગીરી કે મિલિભગત છે કે નહીં ? તે તમામ મુદ્દાઓ સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ફરિયાદની વિગતો મુજબ આરોપી ધર્મેશ હાપલિયા ત્રાકુડા ગ્રામ પંચાયતનો તલાટીમંત્રી હતો તે સમયે તેણે તા. 16-1-2021 થી તા. 31-7-2024 સુધી હોદાનો દુરૂપયોગ કરી કૌભાંડ આચર્યું હતું. ગામતળની જમીનના પ્લોટો અલગ-અલગ આસામીઓને 140 ચોરસવાર મફત રહેણાંક હેતુ માટે પ્લોટ ફાલવવા પાંચ એકર નવું ગામતળ નીમ થયું હતું જેમાં હજુ રહેણાંક હેતુ પ્લોટ માટેનો લે-આઉટ પ્લાન તાલુકા પંચાયત કચેરી દ્વારા કરાયો ન હતો કે પ્લોટ ફાળવી આપવા માટેની મંજૂરી પણ અપાઈ ન હતી.

આવા પ્લોટ ફાળવવા માટે તાલુકા વિકાસ અધિકારી સહિતનાની પૂર્વ મંજૂરી તેમજ હરાજી પ્રક્રિયા કરવી જરૂરી હોય છે. પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયાએ આવી કોઈપણ સરકારી નિયમનના પાલન કે પ્રક્રિયા અનુસર્યા વિના જ ગામના વ્યક્તિઓના નામે આધાર-પુરાવાઓ ઉભા કર્યા હતા. આવા જુદા જુદા વ્યક્તિઓને 44 જેટલા પ્લોટ મળી 6,260 ચોરસ મીટર જમીનની ફાળવણી કરી દેવાઈ હતી. પ્રતિ ચોરસ મીટર 1100 રૂપિયા પ્રમાણે 70 લાખ રૂપિયા વસુલી લેવાયા હતા અને પોતાનો અંગત ફાયદો, લાભ લઈ લીધો હતો.
આ પણ વાંચો : રાજ્યના 267 પેટ્રોલ પંપ ઉપર દરોડા : અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં 16 પંપમાં ગેરરીતિ સામે આવતા ફટકાર્યો દંડ
પ્લોટ ફાળવણીમાં તાલુકા વિકાસ અધિકારી તથા સર્કલ ઈન્સ્પેક્ટરના નકલી હુકમો તથા સનદ બનાવીને તેમાં અધિકારી, કર્મચારીના સ્ટેમ્પ અને કચેરીના રાઉન્ડ સીલ પણ લગાવી દીધા હતા. સહીઓ પણ કરી નાખી હતી. બોગસ દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરીને પ્લોટ બારોબાર પધરાવી દેવાયા હતા. સમગ્ર કૌભાંડમાં તપાસના અંતે જરૂરી દસ્તાવેજી પુરાવાઓને લઈને આરોપી ધર્મેશ હાપલિયા સામે ગુનો નોંધાવાતા પીઆઈ એ.ડી. પરમાર તથા સ્ટાફે તપાસ હાથ ધરી છે. ધર્મેશની સાથે અન્ય કોઈ સરકારી કર્મીઓ કે જમીન કૌભાંડકારોની સંડોવણી ખૂલશે તો તેના સામે પણ કાયદાકીય ગાળિયો નખાશે. ધરપકડ થશે. જો કે પોલીસની તપાસ અને પુરાવાઓ પર બધું નિર્ધારિત રહેશે.