રાજકોટ જિલ્લાની સરકારી હોસ્પિટલો સોલાર પેનલથી સજ્જ થશે : 250થી વધુ આરોગ્ય કેન્દ્રમાં પ્રોજેક્ટ અમલી બનશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણના સંરક્ષણ માટે સોલાર રૂફટોપ યોજના અમલમાં છે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત રાજકોટની આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન બટુકભાઈ ઠુંમરના પ્રયાસ અને દૃઢ સંકલ્પના પરિણામે રાજકોટ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
જે મુજબ રાજકોટ જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં ઊર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને સોલાર પેનલ સ્થાપિત કરવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા મુખ્ય મથકની હોસ્પિટલ, પી.એચ.સી., સી.એચ.સી., યુ.પી.એચ.સી. સહિત કુલ 20 સરકારી હોસ્પિટલોમાં પ્રથમ તબક્કામાં સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે. વધુમાં રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકામાં 36, ધોરાજી-18, જામકંડોરણા-19, જસદણ-35, જેતપુર-21, કોટડા સાંગાણી-15, લોધિકા-17, પડધરી-12, રાજકોટ-34, ઉપલેટા-17, વિંછીયા-28 પેટા આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો મળીને રપરથી વધુ કેન્દ્રમાં તબક્કાવાર સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવશે.
આ પણ વાંચો :રાજકોટ એરપોર્ટની પાણી-વાઇફાઇની ફરિયાદ કેન્દ્રીય મંત્રીના કાન સુધી પહોંચી: રામભાઇએ મંત્રી નાયડુને રૂબરૂ મળી કરી રજૂઆત
આ પ્રોજેક્ટથી આરોગ્ય સેવાઓ વધુ કાર્યક્ષમ, પર્યાવરણમિત્ર અને ઊર્જા સ્વાવલંબન દિશામાં આગળ વધશે. આ યોજનાથી સરકારી હોસ્પિટલોનો વીજળી ખર્ચ ઘટશે, વૈકલ્પિક ઊર્જાનો ઉપયોગ વધશે અને દર્દીઓને સતત અવરોધરહિત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
આ પ્રોજેક્ટને અમલી બનાવવા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, અગ્રણી અલ્પેશભાઇ ઢોલરીયા, ધવલભાઇ દવે, તેમજ આરોગ્ય શાખાના અધિકારીશ્રીએ વિશેષ પ્રયાસો કર્યા છે, તેમ શ્રીમતી લીલાબેન બટુકભાઈ ઠુંમરની યાદીમાં જણાવ્યું છે.
