ગોંડલ : મોટીખિલોરી ગામે નદીમાં ઈકો કાર તણાઇ ; ફાયર બ્રિગેડ, NDRF ટીમ દ્વારા બાળક સહિત 3 લોકોની શોધખોળ શરૂ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે ગોંડલ સહિતના જિલ્લાઓમાં અવિરત વરસાદ ચાલુ છે. અવિરત મેઘમહેર અને આગામી દિવસોમાં ભારે વરસાદની અગાહીને લઈને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.ભારે વરસાદને લઈને અનેક વિસ્તારમાં વાહનો ફસાયા હોવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે ગોંડલના મોટીખિલોરી ગામે નદીમાં કાર તણાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.
મળતી વિગતો અનુસાર ગોંડલના મોટી ખિલોરી ગામે વાસાવડ તરફ જતા માર્ગ પર કોલપરી નદીના બેઠા પૂલ પરથી ઈકોકાર તણાઈ હતી.ઈકોકારમાં બાળક સહિત 3 વ્યક્તિઓ હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે ઘટનાની જાણ થતાં ગોંડલ નગર પાલિકા ફાયર બ્રિગેડ, NDRF ટીમે નદીના પ્રવાહમાં તણાયેલ લોકોની શોધખોળ હાથ ધરી છે.
ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી પરિવારની શોધખોળ હાથ ધરી હતી. ઇકો કારને અન્ય વાહનોની મદદથી નદીમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફાયર ટીમ અને એનડીઆરએફની મદદ લેવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે Dy.SP કે.જી.ઝાલા, તાલુકા પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રફુલભાઈ ટોલીયા, અશ્વિનભાઈ ઠુમ્મર, રાજુભાઈ ડાંગર સહિતના ભાજપના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે.