વિરમગામ-માલવણ હાઇવે પર LPG ટેન્કરમાંથી ગેસ ચોરી કૌભાંડ ઝડપાયું
અમદાવાદ જિલ્લાના વિરમગામ-માલવણ રોડ પર આવેલી એક હોટલ પર ગ્રામ્ય એસઓજીના સ્ટાફે દરોડો પાડીને એલપીજી ગેસની ચોરી કરીને કોમર્શીયલ ગેસ સિલિન્ડરમાં ભરીને બારોબાર વેચાણ કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરીને ત્રણ ટેન્કર, ૩૬ ગેસ સિલિન્ડર સહિત કુલ ૬૪ લાખના મુદ્દામાલ સાથે હોટલના માલિક સહિત ચાર શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે ટેન્કરમાંથી ગેસની ચોરી કરવાનું કૌભાંડ રામદેવ હોટલનો માલિક દેવારામ ચૌધરી દ્વારા ચલાવવામાં આવતું હતું. અત્યાર સુધી તેણે લાખો રૂપિયાની કિંમતના ગેસની ચોરી કર્યાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ કે જી ચૌધરી અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે વિરમગામ-માલવણ દોલતપુરા પાટિયા પાસે આવેલી રામદેવ હોટલનો માલિક દેવારામ ચૌધરી બહારથી આવતા એલપીજી ગેસ ટેન્કરને તેની હોટલ પાછળ બોલાવીને ટેન્કરના સીલમાં ચેડા કરીને તેમાંથી ગેરકાયદેસર રીતે કોમર્શીયલ ગેસ સિલિન્ડરમાં ભરીને બારોબાર વેચાણ કરે છે.
જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં ત્રણ ટેન્કરના સીલના ચેડા કરીને તેમાંથી ગેસ સિલિન્ડર ભરવામાં આવતા હતા. જ્યારે એક લોડીંગ રીક્ષામાં ૩૬ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. આ અંગે પોલીસને જાણવા મળ્યું હતું કે દેવારામ ચૌધરી ગેસ ટેન્કરના ચાલકને એક ગેસ સિલિન્ડર દીઠ પાંચસો રૂપિયા આપતો હતો અને એક ટેન્કરમાંથી ચાર થી પાંચ ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે ભરીને બજારમાં ત્રણ હજાર રૂપિયાના ભાવે વેચાણ કરવામાં આવતું હતું.
આ અંગે હાલ દેવારામ ચૌધરી તેમજ સુરેશ સરોજ (રહે. ઉત્તર પ્રદેશ), અજય સરોજ અને રાજપતિ સરોજ નામના ટેન્કર ડઇવરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. દેવારામ ચૌધરી ચોરીના ગેસથી ભરેલા સિલિન્ડરને હાઇવે પર આવેલી હોટલોમાં નિયમિત પણે સપ્લાય કરતો હતો. ત્યારે આ કેસની તપાસમાં એલપીજીની ચોરીના અનેક મોટા કૌભાંડ સામે આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
