રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશોત્સવ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને આ તહેવાર દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ પવિત્ર તહેવાર અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે. ત્યારે વિસર્જન અંગે રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજકોટમાં મુર્તિઓનું વિસર્જન સમયે લોકો વાજતે-ગાજતે બાપ્પાને વિદાય આપે છે અને ગણેશજીની મુર્તિઓનું નદી કે તળાવમાં પધરાવી વિસર્જન કરવામાં આવે છે. આ મહોત્સવમાં વિસર્જન પ્રક્રિયા સરળતાથી થાય, કાયદો અને વ્યવસ્થાના પશ્નો ઉપસ્થિત ન થાય, તેમજ મુર્તિ વિસર્જન સ્થળે ગંદકી થવાના કારણે રોગચાળો ફેલાય નહી તેમજ ધાર્મિક લાગણી દુભાય નહી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી સાવચેતીના પગલા રૂપે રાજકોટમાં 7 સ્થળ વિસર્જન કરવા માટે નક્કી કરવામાં આવ્યાં છે. જ્યાં ભક્તો શાંતિથી ગણેશ વિસર્જન કરી શકશે.
- ગણપતિજીની મુર્તિ વિસર્જન કરવાની જગ્યાઓ
ગણેશ મુર્તિ વિસર્જન માટે ચીફ ફાયર ઓફીસર, રાજકોટ મહાનગરપાલિકા ધ્વારા નીચે જણાવેલ સ્થળો ગણપતિજીની મુર્તી વિસર્જીત કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવેલ છે. જેથી આ સ્થળોએ જ ગણેશજીની મુર્તિ વિસર્જન કરવાની રહેશે. - આજીડેમ 1 ખાતે વિસર્જન કરી શકાશે
- આજીડેમ 2 ખાતે વિસર્જન કરી શકાશે
- આજીડેમ 3 ખાતે વિસર્જન કરી શકાશે
- એચ.પી.ના પેટ્રોલ પંપ સામે, રવિવારી બજાર વાળુ ગ્રાઉન્ડ આજી ડેમ ખાતે વિસર્જન કરી શકાશે
- મવડીના પાળ ગામ જખરાપીરની દરગાહ પાસે વિસર્જન કરી શકાશે
- જામનગર રોડ ન્યારાના પાટીયા પાસે વિસર્જન કરી શકાશે
- કાલાવડ રોડ વાગુદડ ગામ, બાલાજી વેફર્સની સામે વિસર્જન કરી શકાશે.
વિસર્જન સમયે કોઈ અગવડતા ન પડે તે માટે ફાયર વિભાગની 7 ટીમો અલગ અલગ સ્થળ પર તૈનાત રહેશે. કૂલ 7 ટીમ અને 80 કરતા વધારે જવાનો ફરજ પર હાજર રહેશે. કોઈપણ દુર્ઘટના બને નહીં તે માટે ફાયર વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આ સાત સ્થળ પણ ગણેશ વિસર્જન કરી શકાશે. આ 7 સ્થળ સિવાયની જગ્યાઓ પર ગણેશ વિસર્જન કરી શકાશે નહીં. સત્તાધિકારીની મંજૂરી વગર ગણેશ વિસર્જનના ધાર્મિક સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.