ગંભીરા બ્રીજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 18 પર પહોંચ્યો : 52 કલાક બાદ પણ હજુ 2 લોકો લાપતા, 4 ઉચ્ચ અધિકારી સસ્પેન્ડ
સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાત સાથે જોડતો પાદરા પાસે આવેલો ગંભીરા બ્રીજ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 થયો છે અને હજુ આંક વધે તેવી ભીતિ છે. વાસ્તવમાં કેટલા વાહનો બ્રીજ ઉપરથી નદીમાં ખાબક્યા હતા તેનો કોઈ ચોક્કસ આંક નથી. અધિકારીઓને એવી શંકા છે કે, મોટરસાઈકલ કે સાઈકલ જેવા વાહનો તણાઈને દૂર ગયા હોય એવું પણ બને. બુધવારની ઘટના બાદ ગુરુવારે આખો દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યુ હતુ અને બે મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા હતા. હજુ એક ડઝન લોકો લાપતા હોવાનું જાણવા મળ્યુ છે.

દરમિયાન આ ઘટનાની તપાસ માટે રચવામાં આવેલી માર્ગ-મકાન વિભાગની 6 સભ્યોની કમિટીએ બ્રીજની મુલાકાત લીધી હતી અને બ્રીજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારી સહિતના મુદ્દે તપાસ કરી હતી અને કેટલાક નિવેદનો લીધા હતા. આ કમિટીને તપાસ કરીને પ્રાથમિક રીપોર્ટ ૨૪ કલાકમાં સુપ્રત કરવાની સુચના આપવામાં આવી હતી.
દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ મુદ્દે સંબંધિત વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી હતી અને દુર્ઘટનાની જવાબદારી નક્કી કરવા સુચના આપી હતી.
બીજી તરફ વહેલી વહેલી સવારથી જ NDRF સહિતની બચાવ ટુકડીઓ દ્વારા શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી છે. કલેકટર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ સવારે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલી તંત્ર અને પોલીસની ટીમોએ અહી રાતભર પડાવ નાખ્યો હતો.એનડીઆરએફ દ્વારા થયેલા સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આજે સવારે સ્થળ મુલાકાત કરવામાં આવી છે. આ ઉપરાંત તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે.

માર્ગ-મકાન વિભાગના ચાર ઉચ્ચ અધિકારી સસ્પેન્ડ
વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં અને કડક પગલાનો નિર્દેશ આપ્યો હતો. આ સંદર્ભે માર્ગ અને મકાન વિભાગમાં ચાર ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.
આ પણ વાંચો : કેનેડામાં કપિલ શર્માના કેફેમાં અંધાધૂંધ ગોળીબાર : વિડીયો આવ્યો સામે, 3 દિવસ પહેલા જ કર્યું’તું ઉદ્ઘાટન
નિષ્ણાંતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલાં અધિકારીઓ એન. એમ. નાયકાવાલા, કાર્યપાલક ઇજનેર, યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર અને આર.ટી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તથા જે.વી.શાહ, મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો.
આ ઉપરાંત, રાજ્યના અન્ય પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે.
