આ તારીખથી ગુજરાતવાસીઓને ગરમીથી મળશે રાહત : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગરમી અંગે આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડી રહી છે. કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં ગરમીનો પારો હાઈ જતો જોવા મળી રહ્યો છે, ત્યારે મંગળવારે (11મી માર્ચે) 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યાનુસાર, રાજ્યમાં આગામી 15મી માર્ચથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું, રાજ્યમાં હજુ બે થી ત્રણ દિવસ અંગ દઝાડતી ગરમી પડશે. 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે. કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રીથી 36 ડિગ્રી જેટલું રહેશે. મધ્ય-ઉત્તર ગુજરાતના ભાગમાં 34થી 36 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્ત્મ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
એક પછી એક પશ્ચિમ વિક્ષેપ આવી રહ્યા છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં તારીખ 13થી 14માં આવી રહેલા પશ્ચિમી વિક્ષેપોના કારણે હોળીના દિવસોમાં ક્યાંક વાદળવાયું અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે.જ્યારે ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન ગુજરાતમાં હવામાનમાં પલટો પણ થઈ શકે છે. આ ઉપરાંત તારીખ 20 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેતાં ક્યાંક છાંટા પણ પડી શકે છે. આમ છતાં કમોસમી વરસાદની શક્યતા ઓછી છે.
હોળી પર પવનની ગતિ કેવી રહેશે ?
આ વખતે હોળીમાં પવનની ગતિ વધારે રહેશે. જેમાં કચ્છમાં 20થી 40ની સ્પીડે, ઉત્તર ગુજરાતમાં 40ની સ્પીડે અને મધ્ય ગુજરાતના ભાગમાં 15ની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે. જેથી મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થઈ શકે છે. આગામી સમયમાં આવતા એક પછી એક હવામાનના પલટાને લીધે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થઈ શકે છે.