રાજકોટ નર્સીંગ કોલેજમાં જર્મની ભાષા શીખવવાનું શરૂ
ગુજરાત સરકાર આઠ સરકારી નર્સીંગ કોલેજમાં વિદેશી ભાષા શીખવવા માટે 89,48,176 ખર્ચ કરશે
રાજ્યની સરકારી નર્સીંગ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોને વિદેશમાં રોજગારીની તકો મળી રહે તે માટે ચાલુ શૈક્ષણિક વર્ષથી રાજ્યની આઠ નર્સીંગ કોલેજમાં વિદેશી ભાષાની તાલીમ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ નર્સીંગ કોલેજમાં જર્મની ભાષા શીખવવાનું શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે નર્સીંગ છાત્રો માટે ખાનગી શૈક્ષણિક સંસ્થા સાથે એમઓયુ કર્યા છે જે અંતર્ગત વિદ્યાર્થીઓને વિદેશી ભાષા શીખવવા પાછળ સરકાર 89,48,176 ખર્ચ કરશે.
ગુજરાત સરકારના આરોગ્ય અને તબીબી સેવા વિભાગ દ્વારા વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષમાં રાજ્યની અમદાવાદ, ભાવનગર,જામનગર, રાજકોટ, સુરત, સિદ્ધપુર-ધારપુર, પાટણ સહિતની આઠ સરકારી બીએસસી નર્સીંગ કોલેજ ખાતે અભ્યાસ કરતા છાત્રોને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રોજગારીની તકો ઉપલબ્ધ થાય તેવા હેતુથી પ્રાથમિક તબક્કે અરેબિક, જાપાનીઝ, સ્પેનિશ, કોરિયન, જર્મન, મંડેરિયન (ચાઈનીઝ) અને ફ્રેન્ચ ભાષા વધારાની ભાષા તરીકે શીખવવા માટે ફોરેન લેંગ્વેજ ટ્રેનિંગ કોર્ષ ચાલુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટની સરકારી નર્સીંગ કોલેજમાં પ્રથમ વર્ષે જર્મની એટલે કે ડચ ભાષા શીખવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
વધુમાં ગુજરાત સરકારે નર્સીંગ છાત્રોને વિદેશી ભાષા શીખવવા માટે અમદાવાદની એચ.કે.સ્કૂલ ઓફ ફોરેન લેન્ગ્વેજીસ સાથે એમઓયુ કર્યા છે જે અંતર્ગત સરકાર રાજ્યની આઠ કોલેજના 400 જેટલા છાત્રોને વિદેશી ભાષા શીખવવા પાછળ અંદાજે રૂપિયા 89,48,176 ખર્ચ કરશે. વિદેશી ભાષા શીખવવા માટેની આ ટ્રેનિંગમાં એચ.કે.સ્કૂલ ઓફ ફોરેન લેન્ગ્વેજીસના એક્સપર્ટ શિક્ષકો પ્રથમ વર્ષે 100 કલાક બીજા વર્ષે 60 કલાક અને ત્રીજા વર્ષમાં 40 કલાકની તાલીમ આપશે જેમાં 75 ટકા અભ્યાસ ઓફ લાઈન અને 25 ટકા અભ્યાસ ઓનલાઇન કરાવવા માટે કરાર થયા છે.