જામનગરથી રાજકોટમાં એક મહિનામાં ત્રણ વખત દારૂ ઠલવાઈ ગયો !
દિવાળી સુધારવા દારૂનો ધંધો કર્યો પણ સુધરવાને બદલે બગડી
સ્થાનિક પોલીસ અજાણ રહી જતાં સ્ટેટ મોનિટરિંગ સેલે સિવિલ હોસ્પિટલ પાસેથી ૧૪૪૨ બોટલ’ને જામનગર દરેડ જીઆઈડીસીમાં દરોડો પાડી ૫૪૦૦ બોટલ દારૂ પકડ્યો: રાજકોટના બૂટલેગર સહિત નવની શોધખોળ
દિવાળીનો તહેવાર નજીક આવતાં જ બૂટલેગરો દારૂની રેલમછેલ કરી દેવા માટે મેદાને ઉતરી ગયા છે. જો કે તેમના આ ઈરાદાને સફળ ન થવા દેવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલે કમર કસી લીધી હોય તેવી રીતે રાજ્યભરના બૂટલેગરો તેમજ દારૂની અવર-જવર ઉપર અત્યારથી જ ધોંસ બોલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આવો જ એક દરોડો પાડીને શનિવારે સાંજે સિવિલ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહેલી બોલેરોમાંથી ૧૪૪૨ બોટલ પકડવામાં આવી હતી. આ પછી ચાલકની પૂછપરછ કરવામાં આવતાં આ દારૂ જામનગરથી લાવ્યો હોવાની કબૂલાત આપતા એક ટીમે જામનગરની દરેડ જીઆઈડીસીમાં દરોડો પાડતાં ત્યાંથી દારૂની વધુ ૫૪૦૦ બોટલ મળી આવતાં રાજકોટના ૮૦ ફૂટ રોડ પર દારૂ મંગાવનાર બૂટલેગર તેમજ સપ્લાય કરનાર રાજસ્થાનના આઠ શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ચાલકે એવી કબૂલાત પણ આપી છે કે એક મહિનાની અંદર જામનગરથી રાજકોટમાં ત્રણ વખત દારૂ ઠલવાઈ ગયો છે !
સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.એસ.પટેલે સિવિલ હોસ્પિટલ પાસેથી દારૂની ૧૪૪૨ બોટલ ભરેલી બોલરો સાથે મુકેશકુમાર સુખારામ ગોદારા (રહે.રાજસ્થાન)ને પકડી પાડ્યો હતો. આ દારૂની ગાડીનું પાયલોટિંગ અનિલકુમાર બિશ્નોઈ દ્વારા કરવામાં આવતું હતું. જ્યારે દારૂ મોકલનાર તરીકે ગોગીરાજ જબરામ બિશ્નોઈ, ઓમપ્રકાશ, પુખરાજ ઉર્ફે પપ્પુના નામ આપ્યા હતા. દારૂ ભરેલી આ ગાડી ૮૦ ફૂટ રોડ પર હ્યુન્ડાઈના શો-રૂમ પાસે મુકવાની હતી. જો કે આ દારૂ કોણે મંગાવ્યો તેનું નામ ચાલકે આપ્યું ન્હોતું.
આ પછી પીએસઆઈ એ.વી.પટેલ દ્વારા જામનગરની દરેડ જીઆઈડીસીમાં આવેલા ગોડાઉન પર દરોડો પાડીને ૫૪૦૦ બોટલ દારૂ પકડવામાં આવ્યો હતો. આ ગોડાઉન ભાડે રાખનાર તરીકે મુકેશકુમાર સુખારામ ગોદરા, અનિલકુમાર બિશ્નોઈ, ગોગીરાજ જબરામ બિશ્નોઈ અને રામનારાયણ અર્જુનસિંહનું નામ આવતાં તેમની સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજસ્થાનના આ બૂટલેગરોએ દિવાળી સુધારવા માટે જામનગર તેમજ રાજકોટમાં દારૂ વેચવાનું નક્કી કર્યું હોવાનું પણ ખુલ્યું છે.