રાજકોટમાં શેરબજારની ઓફિસ ધરાવતા ભેજાબાજે ઊચા વળતરની લાલચો આપી રાજકોટ,ગોંડલ અને જુનાગઢના રોકાણકારોને ચૂનો ચોપડયો
ત્રણ વર્ષમાં લોકો પાસેથી પૈસા ખંખેરી ફોન બંધ કરી ભાગી જતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં શેરબજારની ઓફિસ ધરાવતાં એક ભેજાબાજ શખ્સે છેલ્લા ત્રણ વર્ષમાં આઈપીઓમાં ઉચા વળતરની લાલચ આપી ઈમીટેશનના વેપારી અને તેના ભાઈ સહિત કુલ 15 લોકો પાસેથી રૂા.2.23 કરોડ પડાવી છેતરપીંડી કરી હતી. અને પૈસા પડાવયા બાદ ગઠીયો ફોન બંધ કરી ફરાર થઈ જતાં આ મામલે ભોગ બનનાર 15 જેટલા રોકાણકારોએ પોલીસ કમિશનરને રજૂઆત કરતાં આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ગઠિયાની શોધખોળ હાથધરી છે.
રાજકોટનાં કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે રામપાર્ક યોગી આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા અને ઈમીટેશનનો વેપાર કરતાં જીગ્નેશભાઈ રમેશભાઈ વ્યાસની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે જેમાં આરોપી તરીકે સત્યસાંઈ હોસ્પિટલ પાસે આત્મીય કોલેજ પાછળ આસોપાલવ સ્પ્રીંગ્સ કોપર એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા પ્રકાશ રતનશી ચુડાસમાનું નામ આપ્યું છે. જીગ્નેશભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ પાંચ વર્ષ પૂર્વે તેની ઓળખાણ પ્રકાશ સાથે થઈ હતી. પટેલ વેલ્થ નામની શેરબજારની પુષ્કારધામ મેઈન રોડ પર ઓફિસ આવેલ હોય જ્યાં પ્રકાશ કોમ્પ લાઈન્સ ઓફિસર તરીકે હોય તેની મુલાકાત થયા બાદ પ્રકાશે જીગ્નેશભાઈને શેરબજારના આઈપીઓમાં રોકાણ કરોતો ઉચુ વળતર મળશે તેવું જણાવ્યું હતું. જીગ્નેશભાઈએ હાલ 10 લાખનું રોકાણ કરવાની તૈયારી બતાવતાં પ્રકાશે તેનાં નાગરિક બેંકના એકાઉન્ટમાં 10 લાખનો ચેક આપવાની વાત કરી હતી. અને જે ચેક બાદ પ્રકાશે વધુ રૂપિયાનું રોકાણની વાત કરતાં જીગ્નેશભાઈએ અલગ અલગ બેંકના ચેક આપ્યા હતાં. તેમજ ગોંડલ ખાતે રહેતા તેના સગા ભાઈ ભાવિનને પણ આ બાબતે વાત કરતાં તેને પણ પ્રકાશની વાતમાં આવીને આઈપીઓમાં રોકાણ કરવા માટે પ્રકાશને ચેક મારફતે રૂપિયા આપ્યા હતાં. તેમજ બીજા ભાઈ સમીર રમેશ વ્યાસ તથા જૂનાગઢના તેના પિતરાઈ પાર્થ પ્રવિણકુમાર પંડયા તેમજ મિત્ર ઋષિત દિપક ત્રિવેદીએ પણ રૂપિયા 14.10 લાખનું રોકડ અને 17 લાખ બેંક મારફતે તેમ કુલ 31.10 લાખ આપ્યા હતાં.
થોડા દિવસ બાદ પ્રકાશનો મોબાઈલ બંધ થઈ ગયો હતો અને કોઈ સંપર્ક નહીં થતાં પોતે છેતરાયા હોવાનું જાણવા મળતાં આ મામલે પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી હતી. જીગ્નેશભાઈ અને તેના ભાઈઓ સહિત આરોપીઓએ હરિપરપાળના કાનાભાઈ મહીડા પાસેથી રૂા.3.50 લાખ, વિપુલભાઈ દવે પાસેથી રૂા.24.10 લાખ, રાજકોટના હર્ષદ વાળા પાસેથી રૂા.22 લાખ રોકડા તેમજ હર્ષદભાઈના ઓળખીતા નિલેશભાઈ બગથરીયા, ઉદય મકવાણા, હેમલ ભાલોડી, નિલેશભાઈ પરમાર, કિશોરભાઈ લાંબરીયા, વિજયભાઈ લાંબરીયા પાસેથી રૂા.83 લાખ રોકડા પ્રકાશે પડાવ્યા હોવાનું ખુલ્યું હતું. આમ 15 રોકાણકારો પાસેથી રૂા.2.23 કરોડ ઉઘરાવી પ્રકાશ ફરાર થઈ જતાં આ મામલે રોકાણકારોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. અને બાદ તપાસ કરી આ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી કરી છે.