રાજકોટના અટલ સરોવરમાં ફ્લાવર શોના નામે છેતરપિંડી : છેલ્લા એક મહિનામાં અનેક સહેલાણીઓ ઉલ્લુ બન્યા,જાણો શું છે મામલો
રાજકોટ શહેરના નવા નજરાણા સમાન અટલ સરોવરમાં ખાણી પીણીમાં અગાઉ ચાલતી લૂંટ માંડ બંધ થઇ છે તેવામાં છેલ્લા એક મહિનાથી અટલ સરોવર સંકુલમાં ફલાવર શોને નામે લોકોને ઉલ્લુ બનાવવમાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અટલ સરોવરમાં ટિકિટ બારીએ ટિકિટ લેવા પહોંચો તે પહેલા જ બહાર ટેબલ નાખીને બેસતી ગેંગ દ્વારા ફ્લાવર શોની 100 રૂપિયાની ટિકિટ ઉપર પાર્કમાં પ્રવેશ ફ્રી હોવાના નામે લોકોને શીશામાં ઉતારી કોઈપણ જાતની રકમ લખ્યા વગરની કાગળની નાની ચબરખી પકડાવી દઈ સહેલાણીઓને આસાનીથી શિકાર બનાવવામાં આવે છે બાદમાં અંદર જયારે સહેલાણી વિવિધ પ્રકારના ફુલ જોવા મળશે તેવી આશાએ જાય છે ત્યારે અંદર કાગળ પ્લાસ્ટિકના જુના કચરા જેવા ફૂલો જોઈ છેતરાયાનો રીતસર અહેસાસ થાય છે.

રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર સ્માર્ટ સિટીમાં અટલ સરોવર હરવા ફરવા માટેનું નવું નજરાણું બન્યું હોય રાજકોટ શહેર ઉપરાંત આજુબાજુના શહેરમાંથી પણ અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્યા છે. અટલ સરોવરમાં પ્રવેશ માટે ફોર વ્હીલ માટે 20 રૂપિયા પાર્કિંગનો ખર્ચ કર્યા બાદ એકથી દોઢ કિલોમીટર ચાલીને આવતા પ્રવેશદ્વાર ઉપર 30 રૂપિયાની ટિકિટ લઈ અંદરનો નજારો માણવા મળે છે. જો કે, અહીં 5 જુલાઈથી રાજકોટની જનતાને ઉલ્લુ બનાવવા માટે બિગેસ્ટ ફ્લાવર શો યોજવામાં આવ્યો છે. પાર્કની બહાર જ મંડપ ખુરશી નાખીને બેસતી ગેંગ દ્વારા અંદર જવાની 30 રૂપિયાની ટિકિટને બદલે 100 રૂપિયામાં ફ્લાવર શો નિહાળવા લાલચ આપી કાગળની નાની ચબરખી પકડાવી દેવામાં આવે છે.

જો કે, પાર્કમાં ચાલીને લાબું અંતર કાપ્યા બાદ બિગેસ્ટ ફ્લાવર શો માં એન્ટ્રી મળે છે. અહીં પ્રવેશતા જ અહીં માછલીઘર જોવા મળે છે અને આગળ જતા બે ચાર બિલાડી, લવ બર્ડ, કબૂતર અને પાંજરામાં પૂરેલા કોકટીલ જોવા મળે મળે છે અને બાદમાં કાગળ અને પ્લાસ્ટિકના ગણ્યા ગાંઠયા ફૂલો અને સૂકેલી વડવાઈની ડાળખીઓ જોવા મળે છે. હાલમાં ચોમાસાની સિઝનને કારણે કહેવાતા આ પ્લાસ્ટિકના ફૂલોના ફલાવર શોમાં ચોતરફ ગંદાપાણી ભરાઈ ગયા હોવાથી મેટિંગ પણ કાદવ કીચડથી લથબથ થઇ લપસણી બની જતા અનેક લોકો લપસી મફતની લપસણી ખાવા મળતી હોવાથી ફ્લાવર શોમાંથી બહાર નીકળ્યા બાદ સહેલાણીઓ આયોજકોને મન ભરીને કોશી રહ્યા હોવાનો નજારો જોવા મળી રહ્યો છે.
અટલ સરોવરમાં રાંધણ ગેસના બાટલાનો ગેરકાયદે ઉપયોગ
અટલ સરોવરમાં આવતા સહેલાણીઓ નાસ્તો કરી શકે તે માટે પાર્કમાં અલગ -અલગ જગ્યાએ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે પરંતુ આ સ્ટોલમાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલને બદલે ઘરેલુ વપરાશના બાટલા ખુલ્લે આમ વપરાશ થઇ રહ્યો છે. નોંધનીય છે કે, તાજેતરમા રાજકોટના લોકમેળામાં મામલતદાર અને પુરવઠા વિભાગે આવા સ્ટોલમાંથી રાંધણગેસના બાટલા ઝડપી લીધા હતા. જો કે, અટલ સરોવર શહેરની ભાગોળે હોય અહીં પુરવઠા વિભાગના કાર્યક્ષેત્રમાં આ વિભાગ ન આવતો હોય તેમ જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હોય આવી ગેરકાનૂની પ્રવૃત્તિ અહીં ખુલ્લે આમ ચાલી રહી છે.
