આણંદમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની સરાજાહેર હત્યા : ઈકબાલ મલેકને પેટના ભાગે છરીના ઘા ઝીંકીને હુમલાખોરો ફરાર
આણંદમાં કોંગ્રેસના નેતાની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલિકની હત્યા કરવામાં આવી છે. મોર્નિંગ વોક પર નીકળેલા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરને પેટમાં છરીઓ મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. બાકરોલ તળાવ પાસે હત્યા કરીને હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. ત્યારે DYSP સહીતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના પાછળ કોઈ કાવતરું અને હત્યા પાછળનું કારણ શોધવા તેમજ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : સુરતમા 32 કરોડની કિંમતના હીરાની ચોરી : તિજોરી તોડી તસ્કરો ફરાર : ક્રાઈમ બ્રાંચે કેટલાક શંકાસ્પદને લીધા સકંજામાં
મળતી વિગતો અનુસાર આ ઘટના આણંદના બાકરોલ વિસ્તારમાં આવેલ તળાવ પાસેની છે જ્યાં આજે સવારે નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલિકને પેટના ભાગે છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી ઘટનાથી બનાવસ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા અને પોલીસને જાણ કરતા DYSP સહીતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી ઇકબાલ મલેકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા છે.
હત્યાનું કારણ અકબંધ
ઈકબાલ મલેક ઉર્ફે બાલા સવારે મોર્નિંગ માટે બાકરોલ તળાવ પાસે ગયા હતા. આ દરમિયાન અજાણ્યા શખસોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમને આંતરી છરીના ઉપરાછાપરી ઘા ઝીંકતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા હુમલાખોરોને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
