ફ્લાવર બેડ ફળ્યા! નવેમ્બરમાં રાજકોટમાં 11848 દસ્તાવેજની નોંધણી, વાંચો છેલ્લા જિલ્લામાં બે મહિનામાં નોંધાયેલ દસ્તાવેજના આંકડા
રાજકોટ શહેર-જિલ્લામાં રિયલ એસ્ટેટ માર્કેટ ફરી ચેતનવંતુ બન્યું છે. ખાસ કરીને શહેર વિસ્તારમાં ફ્લાવર બેડને લઈ અનેક બહુમંજિલા ઇમારતના દસ્તાવેજ અટકી પડયા બાદ સરકારની લીલીઝંડી મળ્યા બાદ દસ્તાવેજ નહીં કરી શકતા આસામીઓને રાહત મળી છે ત્યારે ગત ઓક્ટોબર માસમાં તહેવારોને કારણે દસ્તાવેજ નોંધણી ઘટયા બાદ નવેમ્બર માસમાં ગત માસની તુલનાએ 980 દસ્તાવેજ વધુ નોંધાયા છે. સાથે જ સરકારની તિજોરીમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી પેટે બે કરોડની આવક વધવા પામી છે.
આ પણ વાંચો :રાજકોટ એરપોર્ટ પર યુઝર ડેવલપમેન્ટ ફી દિલ્હી-મુંબઇ કરતાં આઠ ગણી વધુ: છતાં સુવિધાઓનો અભાવ,પ્રાથમિક ફેસિલિટી પણ મળતી નથી
રાજકોટ નોંધણી સર નિરીક્ષક કચેરીના સત્તાવાર આંકડા મુજબ રાજકોટ જિલ્લામાં અલગ -અલગ 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં નવેમ્બર મહિનામાં 11,848 દસ્તાવેજની નોંધણી થઇ હતી. નોંધનીય છે કે, ગત ઓક્ટોબર-2025માં રાજકોટ જિલ્લાની 18 કચેરીઓમાં કુલ મળી 10,868 દસ્તાવેજની જ નોંધણી થઇ શકી હતી અને સરકારને નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ.61,89,52,506ની આવક થઇ હતી.જેની સામે નવેમ્બર માસમાં 11,848 દસ્તાવેજની નોંધણી થતા નોંધણી ફી પેટે રૂ.9,12,36,130 અને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ. 54,55,50,902 મળી કુલ રૂપિયા 63,67,87,032ની આવક થવા પામી હતી.

નવેમ્બર માસમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ દસ્તાવેજની નોંધણી મોરબી રોડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં 1546 દસ્તાવેજ, મવડીમાં 1134 અને ગોંડલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં 1140 દસ્તાવેજની નોંધણી થઇ હતી. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષમાં દિવાળી બાદ ખેડૂતોના ખરીફ પાકને કમોસમી વરસાદથી નુકશાન થતા રિયલ એસ્ટેટક્ષેત્રે રોકાણનો પ્રવાહ ઘટ્યો હોય તેવી સ્થિતિ છે. જો કે, તેમ છતાં ગત માસની તુલનાએ નવેમ્બર માસમાં દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ વધ્યું છે. જિલ્લામાં નવેમ્બર માસમાં સૌથી ઓછા દસ્તાવેજ વિછિયામાં 57 અને જામકંડોરણામાં માત્ર 68 દસ્તાવેજની નોંધણી થઇ હતી.
