- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધતા જૈન સમાજે રાજ્ય સરકારનો આભાર માન્યો
અમદાવાદ
પાલીતાણા સ્થિત શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના સંચાલકો અને અન્ય જૈન આગેવાનોને ખોટી રીતે બદનામ કરનાર સામે અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
શત્રુંજય ગિરિરાજની પવિત્રતા તથા સુરક્ષાના મુદ્દાઓને લઈને નારાજ જૈન સમાજે ગુજરાત સહિત દેશભરમાં દોઢેક વર્ષ અગાઉ દેખાવો કર્યા હતા. પાલિતાણા જૈન તીર્થ ખાતે માથાભારે શખસોનો ત્રાસ, ગિરીરાજ પર વધી રહેલા ગેરકાયદેસર દબાણો-મકાનો અટકાવવા અને તળેટીમાં દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવા જૈન સમાજે માંગ કરી હતી. અઢી વર્ષ બાદ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગી ફરિયાદ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પણ એક જ દિવસે જૈન આગેવાનને બદનામ કરવાની ફરિયાદને લઈને જૈન સમાજમાં આશા જાગી છે. તંત્ર હરકતમાં આવતા જૈન સમાજના અગ્રણીઓએ ગુજરાત સરકારનો આભાર માન્યો છે.
અમદાવાદમાં રહેતા જૈન અગ્રણી વિરેશ શેઠે પાલીતાણા તળેટીમાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામની વર્ષ 2021ના અંતમાં તંત્રને ફરિયાદ આપી હતી. પાલીતાણા જૈન તીર્થ ની તળેટીમાં મના ભોપાભાઇ રાઠોડ અને તેમના પુત્ર ધર્મેશ રાઠોડે લાખો રૂપિયાની સરકારી જમીન પર એક મકાન તાણી દીધું હતું. રાઠોડ પરિવારે કરેલા ગેરકાયદેસર બાંધકામ અંગે અરજી થતાં આક્ષેપિત મના રાઠોડે હાઇકોર્ટનું શરણ લીધું હતું. ગત મે-2024માં અદાલતનો મનાઈ હુકમ હટી જતાં ભાવનગર કલેક્ટરે આક્ષેપિતો સામે ગુનો નોંધવા હુકમ કર્યો હતો. જે હુકમ આધારે પાલિતાણા સર્કલ ઑફિસરે પોલીસ સ્ટેશન પાલિતાણા ટાઉનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મના રાઠોડ અને તેના પુત્ર ધર્મેશ રાઠોડ સામે FIR નોંધાવી છે.
ડોળી કામદારો માટે સેવાકીય કાર્યો કરતા વિરેશ શેઠ ને બદનામ કરવા કાવતરૂં રચનારા ભરત રાઠોડ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો છે.પાલીતાણા જૈન તીર્થ ખાતે ડોળી કામદારોના બની બેસેલા પ્રમુખ ભરત રાઠોડે વિરેશ શેઠને બદનામ કરવા સમાચાર માધ્યમોનો દૂરઉપયોગ કર્યો હતો. વિરેશ શેઠ લાખો-કરોડોનો ફાળો ઉઘરાવી વહીવટી અધિકારી સામે ધાર્મિક ઉશ્કેરણી કરે છે તેવા સમાચાર સ્થાનિક અખબાર માં ભરત રાઠોડે પ્રસિદ્ધ કરાવ્યા હતા. આ ઉપરાંત એક અન્ય મીડિયાનો લોગોનો દુરઉપયોગ કરી ભરત રાઠોડે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અને વિરેશ શાહ વિરૂદ્ધ જૈન તથા હિન્દુ સમાજમાં વર્ગ વિગ્રહ પેદા થાય તેવા સમાચાર બનાવી સોશિયલ મીડિયા પર ફરતા કર્યા હતા.
પાલિતાણા એસડીપીઓ મિહિર બારીયાએ જણાવ્યું હતું.લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા રાઠોડ પિતા-પુત્ર ફરાર થઈ ગયા છે. પાલિતાણા જૈન તીર્થ ખાતે ડોળી કામદારો પર પ્રભુત્વ ધરાવતા મના રાઠોડ ઉર્ફે મના ભરવાડ બે દસકાથી એસોસીએશનના પ્રમુખ હતા. મના રાઠોડની ડોળીના ધંધામાં પકડ હતી અને બે ખુરશીની ડોલીની મોનોપોલીના કારણે મોટાભાગની આવક તેમના હિસ્સે જતી હોવાની માહિતી સામે આવી છે. શત્રુંજય મહાતીર્થ ખાતે મના રાઠોડ પોતાની મનમાની ચલાવતા હોવાના પણ આરોપ લાગી ચૂક્યાં છે. મના રાઠોડે એસોસીએશનના નામ હેઠળ 1250થી વધુ ડોળી કામદારોને લાયસન્સના સ્થાને ઓળખપત્ર બનાવી આપ્યા હતા. મના રાઠોડ ઉર્ફે મના ભરવાડ સામે દોઢેક વર્ષ અગાઉ ડોળી કામદારો પાસેથી ખંડણી વસૂલવાના ગુના નોંધાતા પાસા હેઠળ જેલવાસ પણ ભોગવ્યો હતો. જ્યારે મના રાઠોડ જેલમાં જતાં 2017 વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા ભરત રાઠોડ બળજબરીપૂર્વક ડોળી કામદારોના પ્રમુખ બની બેઠા હતા. અત્રે નોંધનીય છે કે, વર્ચસ્વની લડાઈમાં ડોળી કામદારો બે દસકાથી મામલતદાર પાસે પરવાનો રિન્યુ કરાવ્યો નથી.