આખરે રાજકોટના કેકેવી બ્રિજ નીચે ગેઈમઝોન શરૂ થશે : સંચાલન સોંપવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી
આખરે રાજકોટના કેકેવી બ્રિજ નીચેનો ગેઈમઝોન શરૂ થશે. રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના કેકેવી બ્રિજ (શ્રીરામ બ્રિજ) હેઠળ બોક્સ ક્રિકેટ, પીકલ બોલ, ચેસ, કેરમ સહિતની રમતો રમી શકાય તે માટે ગેઈમ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે ઘણો લાંબો સમય પસાર થઈ ગયા છતાં સંચાલન સોંપાઈ રહ્યું ન હોય તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.
આખરે આ ગેઈમ ઝોન શરૂ થવા આડેનું ગ્રહણ દૂર થઈ જતાં તેનું સંચાલન સોંપવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં આ ગેઈમ ઝોનનું સંચાલન રાહ સ્પોર્ટસ એકેડેમી (હર્ષ પૂજારા)ને 2.70 લાખ (વાર્ષિક)માં સોંપવા પર નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ ગેઈમ ઝોન ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા કરાઈ હતી પરંતુ તેમાં એકમાત્ર હર્ષ પૂજારાએ જ ટેન્ડર ભર્યું હોવાથી રિ-ટેન્ડર કરાયું હતું. બીજી વખત ટેન્ડર કરાયા બાદ પણ હર્ષ પૂજારાએ જ ટેન્ડર ભરતા આખરે તેને સંચાલન સોંપવાની દરખાસ્ત મ્યુ.કમિશનર દ્વારા કરવામાં આવી હતી ત્યારે આજે એ દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા KKV બ્રિજ નીચે ગેમ ઝોન કાર્યરત થશે.અહીં નજીવી ફી સાથે ત્યાં બાળકો ગેમ નો આનંદ લઈ શકશે.
આ પણ વાંચો : રાજકોટની 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી નરાધમે ગોવામાં આચર્યું દુષ્કર્મ : ઇન્સ્ટા પર પ્રેમજાળમાં ફસાવી 1 મહિનો હોટલમાં રાખી

મવડી સ્પોર્ટસ કોમ્પલેક્સનું સંચાલન મનપા જ સંભાળશે
26 માર્ચે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લા મુકવામાં આવેલા મવડી સ્પોર્ટસ સંકુલનું સંચાલન મહાપાલિકા અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રચાયેલા રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશનને સોંપવામાં આવશે. સંસ્થા દ્વારા જ સિક્યુરિટી, હાઉસકિપિંગ સહિતની વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત કોચ-સાધન પણ સંસ્થા દ્વારા જ રાખવા-વસાવવામાં આવશે.