ખેડૂતો વધુને વધુ રજિસ્ટ્રેશન કરાવે !! ઘઉંની ખરીદી અંગે રાજકોટમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનું મહત્વનું નિવેદન
ભારત સરકારના ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ રાજકોટની કલેકટર કચેરી ખાતેથી ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી ઘઉંની ટેકાના ભાવની ખરીદી અંગેની તૈયારીઓ વિશે સમીક્ષા કરી હતી.
મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અંદાજે ૪૨ લાખ મેટ્રિક ટન ઘઉં ઉત્પાદન થવાની સંભાવના છે,જેમાંથી ૧૨ લાખ મેટ્રિક ટન ગુજરાતની જનતાને રાશન માટે જરૂર પડે છે ત્યારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરી કેન્દ્ર સરકાર સમગ્ર રાષ્ટ્રના ૮૦ કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને નિ:શુલ્ક રાશન વિતરણ દ્રારા ઘઉં પહોંચાડશે. આ માટે મંત્રીએ ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓને વધુને વધુ ખેડૂતો ઘઉંના વેચાણ અર્થે નોંધણી કરાવે તે માટે તકેદારી લેવા જણાવ્યું હતું. સાથે જ ખેડૂતો સરળતાથી નોંધણી કરાવી શકે, પોતાની જણસી નજીકના કેન્દ્ર પર વેચવા માટે જઈ શકે અને જો તેમને નોંધણી સમયે દસ્તાવેજને લગત કોઈ પ્રશ્ન થાય તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવી તેમને તમામ સુવિધાઓ પૂરી પાડવા મંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગરમીના કારણે જો ઘઉંનું સંકોચન થાય અને તેની ગુણવત્તામાં કંઈ ફેરફાર થાય તો ગુણવત્તા અંગેના સુધારા સાથે પણ કેન્દ્ર સરકાર માર્ગદર્શિકા બહાર પાડી ઘઉંની ટેકાના ભાવની ખરીદી ચાલુ રાખશે તેમજ કોઈપણ જિલ્લા ખાતે ખેડૂતોને ઘઉંના વેચાણ અર્થે વધુ દૂરના કેન્દ્ર પર આવવું પડતું હોય તો તેમની નજીકના નવા કેન્દ્રો શરૂ કરવા માટે પણ મંત્રીએ જિલ્લાધિકારીઓને જણાવ્યું હતું.
અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદ પ્રક્રિયા સુચારૂરૂપે થાય તે માટે તમામ જિલ્લામાં જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાએ સમિતિઓ બનાવવામાં આવી છે. તમામ ખરીદ કેન્દ્રો પર ખરીદ અધિકારી, ગુણવત્તાની ચકાસણી માટે ગ્રેડરની નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્રો પર વજન કાંટા, ગ્રેડિંગ બુક, ભેજમાપક યંત્ર, ગુણવત્તા ચકાસણી અંગેની કીટસ, ડનેજ શીટ, બાયોમેટ્રિક ડિવાઇસ, જણસીને સંગ્રહિત કરવા બારદાન, મજૂરોની વ્યવસ્થાઓ, ખેડૂતો માટે છાંયડા, બેઠક તથા પાણીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રી બાંભણિયાએ રાજકોટ જિલ્લાના પડધરી ખાતેથી આજરોજ ઘઉંની ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે જ ૨૫૦ ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. હાલમાં ગુજરાત રાજ્યમાં કુલ ૨૧૮ ખરીદ કેન્દ્રો પર ઘઉંની ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાંથી ૧૯૩ જિલ્લા પુરવઠા ગોડાઉન ખરીદ કેન્દ્રો તેમજ ૨૫ એ.પી.એમ.સી.ખરીદ કેન્દ્રો ખાતે ઘઉંની ટેકાના ભાવની ખરીદીની કામગીરી આગામી તા.૩૧ મે ૨૦૨૫ સુધી કરવામાં આવશે.
આ બેઠકમાં કેન્દ્રીય પુરવઠા વિભાગના જોઈન્ટ સેક્રેટરી સી.શિખા, સેક્રેટરી જાગૃતિ, ગુજરાત સરકારના સેક્રેટરી આર. મીણા, અન્ન નાગરિક પુરવઠા નિગમના મેનેજિંગ ડાયરેક્ટર મયુર મહેતા, કલેકટર પ્રભવ જોશી,અધિક નિવાસી કલેકટર એ.કે.ગૌતમ, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, દેવેન ગોહિલ તથા અન્ય જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.