કેનેડામાં ફેક સ્ટુડન્ટ વિઝાનો પર્દાફાશ : ગુજરાત અને પંજાબના 10,000 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, વાંચો શું છે સમગ્ર મામલો
- કેનેડાએ ગુજરાત અને પંજાબના મળીને 10,000 ફેક સ્ટુડન્ટ વિઝાનો પર્દાફાશ કર્યો
- ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની અરજીઓની સઘન ચકાસણી વખતે થયો ઘટસ્ફોટ
- ફેક એક્સેપ્ટન્સ લેટર્સમાંથી 80 ટકા ગુજરાત અને પંજાબના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા હતા
નવી દિલ્હી
પહેલા ભારતનાં વિદ્યાર્થીઓ માટે લાલ જાજમ પાથરનાર કેનેડાએ હવે ઈમિગ્રેશનના નિયમો કડક બનાવી નાખ્યા છે. આ નિયમો અંતર્ગત કેનેડાએ 10,000 ફેક સ્ટુડન્ટ વિઝાનો પર્દાફાશ કર્યો છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમાંથી મોટા ભાગના ભારતના છે, અને તેમાં પણ સૌથી વધુ ગુજરાત અને પંજાબના છે. કેનેડિયન દૈનિક ગ્લોબ એન્ડ મેઈલના એક રિપોર્ટ પ્રમાણે ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)એ આ વર્ષે 10,000થી વધુ બનાવટી સ્ટુડન્ટ એક્સેપ્ટન્સ લેટરનો પર્દાફાશ કર્યો છે. કેનેડા દ્વારા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની અરજીઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી અને તેમાં આ બાબતનો ઘટસ્ફોટ થયો હતો. 2024માં 5,00,000 ડોક્યુમેન્ટ્સનો રિવ્યુ કરવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફેક એક્સેપ્ટન્સ લેટર્સમાંથી 80 ટકા ગુજરાત અને પંજાબના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા હતા. 2023માં ભારતમાં એક ફેક વિઝા કન્સલટન્ટ દ્વારા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને બનાવટી એક્સેપ્ટન્સ લેટર્સ ઈશ્યુ કરવામાં આવ્યા હતા જેના કારણે આ વિદ્યાર્થીઓ સામે ડિપોર્ટેશનનું જોખમ ઊભું થયું હતું. આ ઘટના બાદ કેનેડિયન સરકાર દ્વારા સ્ટુડન્ટ વિઝા અરજીઓની તપાસ ઘણી કડક બનાવી દેવામાં આવી છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કેનેડાને હવે ઓનલાઈન પોર્ટલ દ્વારા એક્સેપ્ટન્સ લેટર્સની ચકાસણી કરવા માટે ડેઝિગ્નેટેડ લર્નિંગ ઈન્સ્ટિટ્યુટ્સની જરૂર છે.
IRCCના ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ બ્રાન્ચના ડિરેક્ટર-જનરલ બ્રોનવીએ એક સંસદીય સમિતિને જણાવ્યું હતું કે, વેરિફિકેશન પ્રક્રિયાએ બે ટકા કેસોમાં બનાવટી ડોક્યુમેનટ્સ પકડી પાડ્યા હતા જ્યારે અન્ય એક ટકામાં એડમિશન રદ કરવામાં આવ્યા હતા. કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના ઈમિગ્રેશન ટીકાકાર જેન્ની કવાને આ બાબતને “અત્યંત ચિંતાજનક” ગણાવી છે અને કહ્યું છે કે જે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ સાથે છેતરપિંડી થઈ છે તેમને સુરક્ષિત રાખવાની જવાબદારી કેનેડાની છે. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંભવિત ગૂંચવણો અંગે પણ ચિંતાઓ વધી છે, કારણ કે ઘણી કોલેજો અને યુનિવર્સિટીઓ લેટર્સને પ્રમાણિત કરવામાં નિષ્ફળ રહી હોવાનું કહેવાય છે.
IRCC એ ભારત, ચીન અને વિયેતનામના સ્ટુડન્ટ્સને સંડોવતા 2,000 કેસો સહિતની તપાસ ઝડપી બનાવી છે. તેમાંથી 1485 સ્ટુડન્ટ્સે બનાવટી ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા હતા, જેના કારણે તેમને પ્રવેશનો ઈનકાર કરવામાં આવ્યો હતો અથવા તો ડિપોર્ટે થવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેનેડાએ ઈમિગ્રેશન પર નિયંત્રણ મૂકવા માટે કેટલાક કડક નિયમો બનાવ્યા છે. જેમાં સૌથી વધુ અસર ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને થઈ છે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને કેનેડામાં સુખદ અને સફળ અનુભવ થવો જોઈએ. નિયમોમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે તેનાથી ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને મદદ મળશે.