પાટીદાર સમાજના દરેક દંપતિ ઓછામાં ઓછા 3-4 સંતાન પેદા કરે : આર.પી.પટેલની વાતને સમાજના અન્ય આગેવાનોએ આપ્યો મિશ્ર પ્રત્યાઘાત
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે પાટીદાર સમાજના દંપતિઓને ઓછામાં ઓછા ત્રણથી ચાર સંતાનો પેદા કરવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યુ છે કે, અત્યારે પાટીદાર સમાજની વસતિ ઓછી થતી જાય છે અને તેને કારણે તેનું મહત્વ પણ ઓછુ થતું જાય છે. આવા સંજોગોમાં પાટીદાર સમાજે વધુ સંતાનો પેદા કરવા જોઈએ.
નખત્રાણામાં પાટીદાર સમાજના ખેલ મહોત્સવમાં તેમણે આ વાત કરી હતી. તેમણે કહ્યુ કે ખેતીવાડી સાથે જોડાયેલા પાટીદાર પરિવારોની સંખ્યામાં ઘણો ઘટાડો થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં પાટીદાર સમાજે પોતાની વાત કે પોતાનું મહત્વ સાબિત કરવામાં અડચણો આવે છે. આવી સ્થિતિમાં હવે જરૂરી છે કે, પાટીદાર સમાજનું દરેક દંપતિને ઓછામાં ઓછા 3 થી 4 સંતાનો હોવા જોઈએ.
આ પણ વાંચો : હિસ્ટ્રિશીટર હાર્દિકસિંહ જાડેજાને SMCએ સુરત પોલીસને સોંપ્યો : રાજકોટ પોલીસને થોડું છેટું રહી ગયુ ને હાથમાંથી કબજો ગયો
આર.પી. પટેલની આ વાત અંગે મિશ્ર પ્રત્યાઘાત આવી રહ્યા છે. કેટલાક પાટીદાર નેતાઓએ આ વાતને સમર્થન આપ્યું છે તો કેટલાકે વિરોધ કર્યો છે.
પાટીદાર સમાજના યુવાઓના સંગઠન એસ.પી.જી.ના પ્રમુખ લાલજી પટેલે આવા નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યુ છે કે, આજનો સમાજ આર.પી.પટેલની સલાહ નહી માને. આજનો સમાજ શિક્ષિત છે અને એક કે બે બાળકમાં વિશ્વાસ રાખે છે. કોઈ વધુ બાળકો પેદા નહી કરે. તેમણે ઉમેર્યું કે, પાટીદાર સમાજનું મહત્વ વધારવાની વાત છે તો જો દોઢ કરોડની વસતિ એક થઈને અવાજ ઉઠાવે તો રાજકારણમાં પણ મજ્બુતાઇપુર્વક કામ થઇ શકે છે.
આ પણ વાંચો : હાય…હાય… રાજકોટની તિરંગા યાત્રામાં લાગેલા બેનરમાં પાકિસ્તાનના ફાઇટર પ્લેનનો ફોટો લગાવી દેવાયો!
બીજી બાજુ પાટીદાર સમાજના અન્ય એક નેતા અલ્પેશ કથીરિયાએ આર.પી. પટેલના નિવેદનને સમર્થન આપ્યુ છે.તેમણે કહ્યુ છે કે, આર.પી.પટેલે વ્યક્ત કરેલી ચિંતા વ્યાજબી છે. આજે જે એક સંતાનની વિચારધારા ચાલી રહી છે તેનાથી કાકા, ભાઈજી, ફૈબા, મામા અને માસીવાળી પારિવારિક વ્યવસ્થા નહી રહે. સુરતના પાટીદાર નેતા અશોક અધેવાડાએ પણ સમર્થન આપતા કહ્યુ છે કે જો આખો સમાજ આ મુદ્દે વિચારશે નહી તો એક પ્રકારનું આંદોલન શરુ કરવું પડશે.
