લાંચ માંગવામાં મહિલા કર્મચારી પણ પાછળ નહીં !! જમીનનો દાખલો આપવા 2 હજારની લાંચ માંગતા મહિલા તલાટી રંગે હાથ ઝડપાયા
દરેક ક્ષેત્રમાં આજે મહિલાઓ આગળ છે લાંચ લેવામાં કેમ નહીં !! રાજ્યમાં અવારનવાર લાંચીયા અધિકારીઓ ઝડપાતા હોય છે. પ્રસાદી ધરો તો જ સરકારી કામગીરી થાય આ વાત તો હવે સાવ સામાન્ય થતી જાય છે. પુરુષ કર્મચારી તો અવાર-નવાર લાંચ માંગતા ઝડપાઇ જ છે ત્યારે આજે મહિલા કર્મચારી પણ લાંચ માંગતા એસીબીના છટકામાં સપડાઈ ગયા હતા. ગ્રામ પંચાયતનો દાખલો-ઠરાવ આપવા માટે 2000ની લાંચ માંગી હતી ત્યારે એસીબીએ મહિલા તલાટીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના કચ્છ જિલ્લાના નખત્રાણાના દેશલપર (ગુતલી) ગામની છે જ્યાં મહિલા તલાટીને લાંચ લેતા એસીબી દ્વારા રંગે હાથ પકડી પાડવામાં આવ્યા છે. ફરીયાદીને દેશલપર (ગુતલી) ગામના સર્વે નંબર-૬૦૭ પૈકિ સરકાર હસ્તક છે તેમા નવુ રેસ્ટોરન્ટ બનાવવા માટે સરકારના જમીન હોટેલ ઉદ્યોગ હેતુ માટે ૫૨૫.૦૦ ચોરસ મીટર સરકારી પડતર જમીનની માંગણી કરી હતી. જમીન ગૈાચરની નથી તે અંગેનો ગ્રામ પંચાયતનો દાખલો અને ગ્રામ પંચાયતનો ઠરાવ આપવાના અવેજપેટે ફરીયાદી પાસેથી તેના મોબાઇલ ફોનમાં મેસેજથી રૂા.૨,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.
આ ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન મહિલા તલાટીએ પોતાની ફરજના સ્થળે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૨,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની રકમ, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુંક આચરી સ્થળ ઉપરથી પકડાઇ જતાં એસીબીએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.