વીજ બિલ ઘટશે ! સરકારે ફ્યુલ ચાર્જમાં 40 પૈસા ઘટાડો કર્યો
ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાને પગલે વીજ ગ્રાહકોને રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે : ઉર્જામંત્રી
ગાંધીનગર : ગુજરાત સરકારે ‘સુશાસન દિવસ’ નિમિત્તે વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. ઓકટોબર ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ, ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.

ઊર્જા મંત્રી દેસાઈએ કહ્યું હતું કે,ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે. ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જની વસૂલાત કરવામાં આવતી હતી.
વધુમાં તેમણે કહ્યું કે, ઓકટોબર -૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિ યાન પણ રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટ ના દરે ફ્યુઅલ સરચાર્જની વસૂલાત કરવામાં આવે છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં,ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. ૦૧.૧૦.૨૦૨૪થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો લાભ થશે. સાથે જ માસિક ૧૦૦ યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ ૫૦ થી ૬૦ની માસિક બચત થશે.