ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે આ તારીખે ચૂંટણી, વાંચો
બે કેન્દ્રીય મંત્રીઓ માંડવિયા અને રૂપાલા ઉપરાંત અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાની મુદ્દત એપ્રિલમાં પૂરી થાય છે
-૧૫ રાજ્યોની ૫૬ બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતુ ચૂંટણી પંચ
દેશના ચૂંટણી પંચે ગુજરાત સહિત ૧૫ રાજ્યોની રાજ્યસભાની ૫૬ બેઠકોની ચૂંટણી માટે મતદાનની તારીખ જાહેર કરી છે. ૨૭મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને તે જ દિવસે મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થઇ જશે. ગુજરાતમાં ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે જો કે, વિધાનસભામાં ભાજપ પાસે તોતિંગ બહુમતી છે એટલે ચારેચાર બેઠક ભાજપને મળશે. જે ચાર સાંસદો એપ્રિલમાં નિવૃત થઇ રહ્યા છે તેમાં બે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરસોતમ રૂપાલા તથા અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે.
15 રાજ્યોની 56 બેઠકોમાંથી જ્યાં ચૂંટણી યોજાવાની છે, તેમાં બિહારની છ બેઠકો સિવાય, ગુજરાત-કર્ણાટકમાં ચાર-ચાર, મહારાષ્ટ્રમાં છ, પશ્ચિમ બંગાળ-મધ્ય પ્રદેશમાં પાંચ-પાંચ, ઉત્તર પ્રદેશમાં 10, રાજસ્થાન-ઓડિશા- તેલંગાણા-આંધ્ર પ્રદેશમાં ત્રણ-ત્રણ અને છત્તીસગઢ-હરિયાણા-હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડમાં એક-એક બેઠક પર ચૂંટણી યોજાવાની છે.
ચૂંટણી પંચના પત્ર મુજબ 8 ફેબ્રુઆરીથી નામાંકન શરૂ થશે. રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 16મી ફેબ્રુઆરીના રોજ થશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. 27 ફેબ્રુઆરીએ મતદાન થશે અને તે જ દિવસે મતગણતરી થશે.
ચૂંટણી પંચે બિહારની 6 રાજ્યસભા બેઠકો પર ચૂંટણીની તારીખ જાહેર કરી છે. રાજ્યસભાની આ બેઠકો વિધાનસભાના ક્વોટામાંથી ભરવામાં આવશે. એટલે કે રાજ્યસભાના 6 સાંસદો ધારાસભ્યોના મતથી ચૂંટાશે.
બિહારના રાજ્યસભાના જે છ સાંસદોનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થઈ રહ્યો છે તેમાં RJDના મનોજ કુમાર ઝા અને અશફાક કરીમનો કાર્યકાળ પૂરો થશે. જ્યારે જેડીયુના અનિલ પ્રસાદ હેગડે અને વશિષ્ઠ નારાયણ સિંહ, ભાજપના સુશીલ કુમાર મોદી અને કોંગ્રેસના અખિલેશ પ્રસાદ સિંહનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.
