વાવ-થરાદમાં શિક્ષણ જગતને કલંક, આચાર્યએ 15 વર્ષીય વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું
શિક્ષક દિન જેવા પવિત્ર દિવસે જ ગુરુ-શિષ્યના સંબંધોને લજવતી એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખતી ઘટના વાવ-થરાદ પંથકમાંથી સામે આવી છે. સરકારી માધ્યમિક શાળાના એક આચાર્ય દ્વારા 15 વર્ષીય સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યાનો ગંભીર આરોપ લાગ્યો છે, જેના કારણે સમગ્ર શિક્ષણ જગતમાં અને વાલીવર્ગમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે.
શાળાના રૂમમાં બોલાવીને આચર્યું કુસંસ્કારી કૃત્ય
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી આચાર્ય મનિષ પરમારે પોતાની પદની ગરિમા અને નૈતિક જવાબદારી ભૂલીને શાળામાં જ અમાનવીય કૃત્ય આચર્યું હતું. આચાર્યે સગીરાને શાળાના એક રૂમમાં બોલાવીને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. સગીરાએ રૂમમાંથી બહાર નીકળવાના તમામ પ્રયાસો કર્યા હોવા છતાં આચાર્યે તેને અટકાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આ જધન્ય અપરાધ કર્યા બાદ આરોપીએ સગીરાને જો આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતથી કચ્છ સુધી જળાશયોમાં તળિયા દેખાયા, 76 જળાશયોમાં 25%થી ઓછું પાણી
વાલીઓ અને સામાજિક આગેવાનોમાં ભભૂક્યો રોષ
શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટના બહાર આવતા જ સરહદી પંથકના વાલીઓ, શૈક્ષણિક આક્ષેપો અને વિવિધ સામાજિક આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો શાળાઓમાં જ દીકરીઓ સુરક્ષિત ન રહે, તો વાલીઓ પોતાના સંતાનોને ક્યાં ભણાવવા મોકલે? આ મામલે લોકો દ્વારા આરોપી આચાર્ય સામે ફાંસી જેવી કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ
આ ગંભીર મામલે ભોગ બનનાર સગીરાની ફરિયાદના આધારે માવસરી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી આચાર્ય મનિષ પરમાર વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે એક મોટો ડાઘ સમાન છે, જે સાબિત કરે છે કે સુરક્ષા અને સંસ્કારના પાઠ ભણાવતી શાળાઓમાં પણ હવે કેટલીક જગ્યાએ સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસે આ કેસમાં ઝડપી અને કડક તપાસ કરીને ન્યાય અપાવવો અનિવાર્ય છે, જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે.
