દ્વારકા : સુદર્શન બ્રીજમાં પહેલા વરસાદમાં જ ગાબડા પડતા તંત્રની પોલ ખુલી, PM મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં 5 મહિના પહેલા જ ઉદ્ઘાટન કરેલા બ્રીજમાં સુદર્શન સેતુ બ્રીજમાં ગાબડા પડવાની ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકામાં 978 કરોડના ખર્ચે બનેલા ‘સુદર્શન સેતુ’ બ્રીજમાં ગાબડું પડું જતા પહેલા વરસાદમાં જ તંત્રની પોલ ખુલી છે. કરોડોના ખર્ચે બનેલા બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા છે. બ્રિજમાં ત્રણ જગ્યાએ સળિયા દેખાઈ રહ્યા છે અને અમુક જગ્યાએ સાઈડની દીવાલમાં પ્લાસ્ટર ઊખડી ગયેલું જોવા મળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા તે દરમિયાન 25 ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ તેમણે 978 કરોડના ખર્ચે બનેલા ઓખા બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામેલા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી જામનગર,દેવભુમી દ્વારકા અને આસપાસના ગામડાઓમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી ત્યારે બ્રીજ પર ભારે વરસાદથી ગાબડું પડી જતા તંત્રની પોલ ખુલી છે. બ્રીજની કામગીરીમાં પણ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે તેવા અનેક સવાલો આ ઘટના સામે આવ્યા બાદ ઉઠ્યા છે.

દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રિજ પર એક જ વરસાદમાં ક્ષતિ નજરે પડી છે. તો બ્રિજના રોડ પર ભારે માત્રામાં લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કરાયો હોવા છતાં દ્વારકામાં પડેલા પહેલા જ વરસાદમાં ગાબડા દેખાવા લાગ્યા છે. કેટલીક જગ્યાએ સિમેન્ટ ઉખડી જતા અંદરના સળિયા બહાર આવી ગયા છે. અંદાજે દોઢ ફુટ બાય દોઢ ફૂટનું સિમેન્ટ કોંક્રિટ ઉખડી ગયું છે. તિરાડો પણ જોવા મળી રહી છે. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેને લઈને તંત્રમાં દોડધામ મચી ગઈ હોવાની માહિતી છે. આ ક્ષતિ સામે આવતા જ લોકો ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી રહ્યા છે.

ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજમાં અનેક સ્થળે ગાબડા પડયા હતાં. બ્રિજના જોઈન્ટ છુટા પડી ગયા હતા તેમજ બ્રિજના સળિયા બહાર દેખાતા હોવાના ફોટા-વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. બ્રિજની રેલીંગને પણ કાટ લાગી ગયો હોવાથી બાંધકામમાં પોલંપોલ ચાલતી રહી હોવાનું ખુલ્લું પડી ગયું હતું. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ સમાન સુદર્શનસેતુમાં ભારે વરસાદને લીધે અનેક સ્થળે ગાબડા પડયા હોવાની વિગતો આજે બહાર આવ્યા પછી સરકારીતંત્ર દોડતુ થઈ ગયુ હતુ.