અમદાવાદ એરપોર્ટમાં વધતાં ટ્રાફિકને લઈ 25%ડોમેસ્ટિક ફલાઈટ ટર્મિનલ 2 પરથી ઉડાન ભરશે
ટર્મિનલ 1માંથી દરરોજ 220 ફલાઇટ્સ અને 28,000 પેસેન્જરોનું આવાગમન તો ટર્મિનલ 2માં માત્ર 30 ફલાઇટ અને 6000 જેટલા પેસેન્જરોની અવરજવર:અકાસા અને એરઇન્ડિયાની ફલાઈટનું શિફ્ટટિંગ થશે
અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરની સંખ્યામાં વધારો થતા ટ્રાફિકને પહોંચી વળવા માટે 25% જેટલી ડોમેસ્ટિક ફલાઈટને ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓપરેટ કરવામાં આવશે. આ 25% સ્થાનિક ફલાઈટ ટર્મિનલ એકના બદલે હવે ટર્મિનલ 2માંથી ઓપરેટ થશે.
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દરરોજ 250 જેટલી ફ્લાઈટસ અને 35,000 જેટલા પેસેન્જરોનું આવાગમન થતું હોય છે.ટર્મિનલ 1માંથી 220 ફલાઇટ્સ અને 28,000 જેટલા મુસાફરોના ટ્રાફિકને આ એક ટર્મિનલ હેન્ડલ કરે છે જ્યારે તેનાથી વિપરીત પરિસ્થિતિ ટર્મિનલ ટુ માં માત્ર 30 ફ્લાઈટ સાથે 6000 જેટલા ઇન્ટરનેશનલ પેસેન્જરનું હેન્ડલિંગ કરવાનું હોય છે.
આથી ટર્મિનલ 1ના ટ્રાફિક ને પહોંચી શકાય અને સરળતાથી સંચાલન થઈ શકે તે માટે ૨૫ ટકા જેટલી ફ્લાઈટની ટર્મિનલ ટુ પર શિફ્ટ કરવામાં આવશે. શરૂઆતના તબક્કામાં અકાસા અને એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઈટ ટર્મિનલ ટુ પરથી સંચાલન કરવામાં આવે તેવી શક્યતા છે.સ્પાઇસ જેટ પહેલાથી જ ટર્મિનલ 2 પરથી દિલ્હી,ગોવા અને પટના માટેની ફલાઈટનું હેન્ડલિંગ કરે છે.
એરપોર્ટના સૂત્રોએ જણાવ્યુ હતું કે,ટર્મિનલ 2 ને મોટા સિક્યુરિટી હોલ્ડ એરિયા,ચેક ઇન હોલ,પાર્કિંગ સ્પેસ અને ઇમિગ્રેશન કાઉન્ટર સાથે વિસ્તરણ કરવામાં આવ્યું છે જેથી શિફ્ટની તૈયારી કરી શકાય. એરપોર્ટ પર આ ફેરફાર થવાથી ટર્મિનલ એક પર ટ્રાફિક ઓછો થશે અને ટર્મિનલ બે પરથી પેસેન્જરોને પણ સુવિધા મળી રહેશે.