રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ…જાહેરમાં મુકાયેલા વિવાદાસ્પદ પોસ્ટરોએ વિવાદ ઉભો કર્યો, જાણો શું છે સમગ્ર મામલો
તાજેતરમાં ક્રાઈમ એન્ડ સેફટી ઇન્ડેક્સમાં અમદાવાદને ભારતનું સૌથી વધુ સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું હતુ પરંતુ અમદાવાદના લોકોને આ પ્રકારના દાવાથી બિલકુલ ઉલટા પોસ્ટર જોવા મળતા આશ્ચર્ય થયુ હતું. જો કે, અમદાવાદમાં ચર્ચા જગાવનારા આ પોસ્ટર્સને પોલીસે તાત્કાલિક હટાવ્યા હતા અને આવા પોસ્ટર લગાડનાર એન.જી.ઓ.ને ચીમકી પણ આપી હતી.

અમદાવાદના સેટેલાઈટ અને ઘાટલોડિયા જેવા વિસ્તારમાં લગાવવામાં આવેલા પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પોસ્ટરોમાં રાત્રે બહાર ન જવાની ચેતવણી આપવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે: “રાત્રિની પાર્ટીઓમાં જવું નહીં… અંધારામાં રંગલીને સુમસામ જગ્યાએ લઈ જવાની નહી,રેપ-ગેંગરેપ થઇ જાય તો..આવા લખાણોને લીધે ભારે ચર્ચા જાગી હતી. સૌથી આશ્ચર્યની વાત એ હતી કે, જે એન.જી.ઓ.ને આ જવાબદારી આપવામાં આવી હતી તેણે મુકેલા પોસ્ટર્સમાં સૌજન્ય ટ્રાફિક પોલીસ લખેલું હતું.
આ કારણથી લોકોમાં પણ પ્રશ્ન થયો હતો કે, પોલીસ થઈને આવા સંદેશા જાહેરમાં કેવી રીતે મૂકી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર, સતર્કતા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જાગૃતિ માટે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જોકે, આ પોસ્ટરોમાં મહિલાઓને રાત્રે પાર્ટીમાં ન જવા અને રેપનો ભોગ બની શકે તેવી ચેતવણી આપતા લખાણો હતા. જેના પર ભારે વિવાદ થયો હતો. આ પોસ્ટરોમાં ઉપયોગમાં લેવાયેલી ભાષા અને સંદેશાને કારણે સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ હતી.
આ પણ વાંચો : દુષ્કર્મના કેસમાં પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા : પૂર્વ PM દેવગૌડાના પૌત્રને રૂ.11 લાખનો દંડ ફટકારાયો

અમદાવાદ ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે ‘સોશિયલ મીડિયા અને કેટલાક રિપોર્ટસના આધારે વિવાદિત પોસ્ટરો અંગે માહિતી પ્રાપ્ત થઇ હતી કે અમદાવાદના કેટલાક વિસ્તારો છોકરીઓએ એકલામાં જવાની કે પાર્ટીમાં જવા માટે આપત્તિજનક ટીપ્પણીઓ દર્શાવતા બેનર સતર્કતા ગ્રુપ દ્વારા લગાવવામાં આવ્યા છે. જેમાં નીચે સ્પોન્સર બાય ટ્રાફિક પોલીસ એમ લખવામાં આવ્યું હતું. આ ઘટનાને ધ્યાને લઇ તાત્કાલિક બેનરો દૂર કરવામાં આવ્યા હતા અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગના ટ્રાફિક જાગૃતિને લઇને બેનર લગાવાની પરવાનગી આપવામાં આવી હતી આ પોસ્ટર NGO એ પોલીસની જાણ બહાર લગાવેલા હતા. અમદાવાદ શહેર પોલીસને જાણ થતા તાત્કાલિક બધા પોસ્ટરો હટાવી દેવાયા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા પોસ્ટર લગાવવા કોઇ પણ સૂચના આપવામાં આવી ન નથી. NGO એ પોતાની રીતે આ પોસ્ટર લગાવેલા હતા.